સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th December 2020

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...અગાઉ ‘લગાન’ ફિલ્મનું કચ્છમાં શુટીંગ કરી ચુક્યા છે બોલીવૂડના મિ. પરફેક્શનિસ્ટ ખાન

આમિર ખાન સાસણના પ્રવાસેઃ કાલે કરશે સિંહ દર્શન

ચાર્ટર્ડ વિમાન મારફત પોરબંદર આવી પહોંચેલા આમિર ખાન અહિ ટુંકુ રોકાણ કરી સાસણ જવા રવાના થયા હતાં. (ફોટોઃ સ્મીત પારેખ-પોરબંદર)

રાજકોટ તા. ૨૬: બોલીવૂડના સુપરસ્ટાર અને મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાને આ વખતે નાતાલની રજા ગુજરાતમાં પસાર કરવાનો પ્લાન કર્યો હોઇ તેમ તેઓ સપરિવાર સાસણ સિંહ દર્શને આવી પહોંચ્યા છે. જાણવા મળ્યા મુજબ આજે બપોરે તેઓ સપરિવાર પોરબંદર ખાતે ખાસ ચાર્ટર્ડ વિમાન દ્વારા આવી પહોંચેલ. ત્યાંથી રોડ માર્ગે સાસણ જવા રવાના થયાનું જાણવા મળે છે.

આમિર ખાન સાસણના વૂડ રિસોર્ટ ખાતે રોકાણ કરશે તેમ જાણવા મળ્યું છે. આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તે આવતીકાલે રવિવારે સિંહ દર્શન માટે પહોંચશે. નોંધનીય છે કે આમિર ખાન અગાઉ તેની સુપરડુપર હિટ ફિલ્મ લગાનનું શુટીંગ કચ્છમાં કરી ચુકયો છે અને ઘણા દિવસો સુધી ત્યાં રોકાણ કર્યુ હતું. એક ગામ દત્તક પણ લીધું હતું.

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાંસણ ગીરના પ્રવાસે આવ્યો છે. તે શનિવારે પોતાના પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ પર પહોંચ્યો. તે ત્યાં ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પહોંચ્યો છે. આમિર ખાનના ચાહકોને તેને જોવા માટે એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા. આમિર ખાન એરપોર્ટથી પોતાના પરિવાર સાથે ગીર જંગલ ફરવા માટે નિકળી ગયો છે.

         પોતાના કામમાંથી બ્રેક લઇ પરિવાર સાથે સમય પસાર કરવા માટે બોલીવુડ એક્ટર આમિર ખાન સાંસણ ગીર પહોંચ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે 2-3 દિવસ ગીરના જંગલમાં પરિવાર સાથે સમય પસાર કરશે અને સાસણમાં જંગલ સફારીની મુલાકાત લેશે. આમિર ખાન પોરબંદર એરપોર્ટ ઉતર્યો હતો. તેમના આવ્યાના સમાચાર મળતા તેના ચાહકો એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા. પોરબંદર એરપોર્ટ પરથી આમિર ખાન અને તેનો પરિવાર 5 કાર અને 1 બસ મારફતે ગીર જવા માટે રવાના થયો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન હાલ લાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના તહેવારમાં આવી શકે છે. લાલસિંહ ચઢ્ઢા હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે અને ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. લાલસિંહ ચઢ્ઢામાં આમિર સિવાય કરીના કપૂર ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાન ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે.

 

 

(4:09 pm IST)