સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

સાવરકુંડલામાં વાસણના કારખાનામાં આગથી લાખોનું નુકશાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા,. ર૬: સાવરકુંડલાના નેસડી રોડ ઉપર આવેલા લોખંડના રસોડાના વાસણ બનાવવાના કારખાનામાં મશીનના ઇલે.વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગના કારણે કારખાનામાં રહેલ લેજર કટીંગ મશીનનો સોર્સ, લેથમશીન, હાથ ગ્રાઇડર, બે ઇલે.મોટરોો, તૈયાર કરેલ કાચો માલ તેમજ કાચુ મટીરીયલ સળગી જતા લાખો રૂપીયાનું નુકશાન થયાનું નિલેશભાઇ કાળુભાઇ ટાંકે સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ગળાફાંસો

સાવરકુંડલામાં સાહીદભાઇ મહંમદભાઇ તરકવાડીયા ઉ.વ.૩પ ને ધંધો બરાબર ચાલતો ન હોય અને આર્થીક સંકડામણથી કંટાળી કારખાનાના સ્લેબના હુંકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું મોટાભાઇ યુનુસભાઇ તરકવાડીયાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મોત

દામનગરના છભાડીયા ગામે રહેતી આરતીબેન ભદ્રેશભાઇ વનાળીયા ઉ.વ.૧૮ને બપોરના સમયે એકાએક ઉલ્ટીઓ શરૂ થઇ જતા પ્રથમ દામનગર દવાખાને અને વધુ સારવાર માટે અમરેલી સીવીલ હોસ્પીટલમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

ઈજા

વંડાના સેંજળ ગામે રહેતા રમેશભાઈ ગણેશભાઈ વાઘેલા (ઉ.વ. ૨૫) બાઈક લઈને ગામમાં જતો હતો, ત્યારે બાઈક બકરીને અડી જતા મંગાભાઈ, કાંતીભાઈ અને કનેશભાઈએ પાઈપ-લાકડી તેમજ ફાયબરના પાઈપ વડે માર મારી ઈજા કર્યાની વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

ધારી તાલુકાના ડાંગાવદર સીમમાં નરેશભાઈ રામભાઈ બલદાણીયાની વાડીમાં કામ કરતી દાહોદની શ્રમિક મહિલા રાજલબેન સુભાષભાઈ મકવાણા (ઉ.વ. ૪૫) મગફળી થ્રેસર મશીનમાં કાઢતા હતા ત્યારે મશીનના પટ્ટામાં તેમના માથાના વાળ આવી જતા માથામાં તેમજ ખોપરીના ભાગે ઈજા થયાનું પતિ સુભાષભાઈ મકવાણાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:55 pm IST)