સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

જુનાગઢમાં બે શખ્સોની પિસ્ટલ -તમંચો અને ૧૧ કાર્ટીસ સાથે ધરપકડ

એસઓજીની કાર્યવાહીમાં રૂ.૩૬,૧૦૦ નો મુદ્દામાલ કબ્જેઃ સુરત અને જામનગરના શખ્સ પાસેથી હથિયાર મેળવેલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢમાં રાત્રે એસઓજીએ બે શખ્સોની પિસ્ટલ, તમંચો અને કાર્ટીસ સાથે ધરપકડ કરી કુલ રૂ. ૩૬૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરતા સનસની મચી ગઇ હતી.

આ શખ્સોએ સુરત અને જામનગરના ઇસમ પાસેથી હથિયાર મેળવ્યા હોવાનું ખુલતા પોલીસે આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જુનાગઢમાં કામદાર સોસાયટી પાસે આવેલ સેનીટેશનની વોર્ડ ઓફીસની બાજુમાં બે શખ્સો શંકાસ્પદ હિલચાલ કરતા હોવાની બાતમી મળતા ડી.આઇ.જી. મન્નીદર પ્રતાપસિંહ પવાર અને એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીએ સુચનાથી જુનાગઢ એસઓજીના પી.આઇ.ભાટ્ટી, પી.એસ.આઇ. જે.એમ.વાળા તેમજ એ.એસ.આઇ. પી.એમ.ભારાઇ વગેરે દોડી ગયા હતા.

આ કાર્યવાહીમાં એસઓજીએ જુનાગઢમાં કામદાર સોસાયટીમાં હનુમાન મંદિર પાસે રહેતો રવિ ઉર્ફે ગૌત્તમ બકુલ ઉર્ફે બટુક ઝાલા (ઉ.૩૦) અને વંથલીના શાપુર ખાતે વડલી ચોકમાં રહેતો શબ્બીર સુમાર કેવર-ડફેર (ઉ.રપ) નામના બે શખ્સની ધરપકડ કરી હતી.

આ શખ્સોની તલાશી લેતા રવિ ઉર્ફે ગૌત્તમ પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને ૯ કાર્ટીસ તેમજ શબ્બીર ડફેર પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો તથા બે કાર્ટીસ મળી આવતા એસ.ઓ.જીનો સ્ટાફ ચોંકી ઉઠયો હતો.

હથિયાર સાથે પકડાયેલ બંને શખ્સોની પુછપરછ કરવામાં આવતા રવિ ઉર્ફે ગૌત્તમ ઝાલાએ સુરચના કામરેજ ચોકડી વિસ્તારમાં રહેતો સંધુભાઇ (સરદારજી) અને શબ્બીર ડફેરે જામનગર જિલ્લાનો ખટીયાનો સદામ ગામેતી પાસેથી હથિયાર અને કાર્ટીસ મેળવ્યા હોવાની માહિતી આપી હતી.

એસઓજીના સ્ટાફે કુલ રૂ. ૩૬૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય શખ્સો વિરૂધ્ધ જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

એ ડીવીઝનના પી.એસ.આઇ. એ.કે. પરમારે હથિયાર સાથે પકડાયેલા શખ્સોની પુછપરછ અને હથિયારો દ્વારા પકડનાર ઇસમોની શોધખોળ હાથ ધરી છે.

(12:57 pm IST)