સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

આફ્રિકામાં પ્રથમ સ્વામિનારાયણ મંદિર : વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના નૈરોબીમાં બની રહેલા મંદિરની કામગીરી પુરજોશમાં, ડો.સંત સ્વામી કામગીરીનું નિરીક્ષણ કર્યું

 વાંકાનેર : સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલનું આફ્રિકા ખંડમાં સર્વ પ્રથમ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર વિશે માહિતી આપતાં ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડ અને સત્સંગ મહાસભાના પુરૂષાર્થ તેમજ વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બે દેશના ભકતોના સમર્પણથી આફ્રિકાના નૈરોબી ખાતે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ દાતાઓએ શ્રદ્ધા અને વિશ્વાસથી ખૂબ પૂરુષાર્થ કરીને મંદિરનું બાંધકામ શરૂ કર્યુ હતું. મંદિરનું સુપર સ્ટકચરનું કામ પૂર્ણ થયું છે. મંદિરમાં પાર્કીંગ, પ્રસાદરૂપ ભોજનની વ્યવસ્થાની સાથે સાથે બાળ યુવા ઘડતરની વ્યવસ્થાઓ પણ થઈ રહી છે. વધુ જણાવતાં તેમણે કહ્યું હતું કે, આપણા સત્સંગના સંસ્કારો આપણી ભવિષ્યની પેઢીમાં ઉતરે તેના માટે મંદિરોની મહત્વની ભૂમિકા રહી છે. કેન્યાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કે કે વરસાણી, વડતાલના પરેશ પટેલ, મહેળાવના પરેશ પટેલ મિતેશ પટેલ તથા હરિકૃષ્ણ પટેલ, કચ્છના કુંવર વરસાણી, હરજી રાખવાની, કીશોર રાઘવાણી, પ્રથમેશ પટેલ, ક્રાંતિ એમ્બુવાળા વગેરે કાર્યકર્તાઓ સક્રિય રહી રાત-દિવસ પુરૂષાર્થ કરી આ નિર્માણ કાર્યને આગળ ધપાવી રહ્યા છે. આ બાંધકામ માટે વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી વગેરે સંત મંડળ સાથે હાલમાં નૈરોબીના સત્સંગ પ્રવાસે ગયા છે. મંદિરની પરંપરાગત કલા કોતરણી માટે દેશથી ઓરીશાના કારીગરો પણ આ સત્સંગ યાત્રામાં જોડાયા છે. નોંધનીય છે કે સંતોની સ્વાગત સભામાં વર્ચ્યુઅલ આશીર્વાદ આપી આચાર્ય મહારાજે પ્રસન્નતા વ્યકત કરી હતી. આગામી ડિસેમ્બર મહિનામાં મંદિરનું બાંધકામ પૂર્ણ થશે અને પ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ  થી પ. પૂ. પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી સ્વામી  ડી.કે. સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:40 am IST)