સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

કાગદડીમાં મોબાઇલ ચાર્જીંગમાં મુકી ગેમ રમી રહેલા ૧૩ વર્ષના બાદલનું કરંટ લાગતાં મોત

મુળ એમપીનો પરિવાર એકના એક દિકરાના મોતથી શોકમાં ગરક

રાજકોટ તા. ૨૬: મોરબી રોડ પર આવેલા કાગદડી ગામના પાટીયા પાસે રહેતાં અને ત્યાં કારખાનામાં કામ કરતાં મુળ મધ્યપ્રદેશના પરિવારનો ૧૩ વર્ષનો પુત્ર સ્વીચબોર્ડમાં મોબાઇલ ચાર્જમાં મુકી ગેમ રમતો હતો ત્યારે વિજકરંટ લાગી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ કાગદડીના પાટીયે આનંદ એગ્રો કંપનીમાં કામ કરતાં થાનુભાઇ ભાંભરનો પુત્ર બાદલ (ઉ.વ.૧૩) સાંજે પોતાનો મોબાઇલ ફોન સ્વીચબોર્ડમાં ચાર્જીંગમાં મુકી ફોનમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે વિજકરંટ લાગી જતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

બાદલ એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. બનાવથી મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(10:58 am IST)