સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

હળવદમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને પ્રેમી પંખીડાનો આપઘાત

ચુલી ગામના વિશાલ દિનેશભાઇ પલાણી અને ધ્રાંગધ્રાના ગોપાલગઢની નિકિતા ચંદુભાઇ ઠાકોરના મોતથી અરેરાટી

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૬: અહીંના રેલવે સ્ટેશન નજીક ગઈકાલે બુધવારે સાંજના અરસામાં પ્રેમી યુગલે કોઈ કારણોસર ધસમસતી આવતી ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમિયાન તેણીનું પણ મૃત્યુ નીપજયું હતું.

બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા બનાવ સ્થળે ઉમટ્યા હતા અને પોલીસ પણ ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બુધવારે અરસામાં કચ્છના મુન્દ્રા તરફથી આવતી ગુડ્સ ટ્રેન હળવદ નજીક પહોંચી ત્યારે ધસમસતી ટ્રેન સામે પ્રેમી યુગલે ઝંપલાવી દેતા આ ઘટનામાં હળવદ તાલુકાના ચુલી ગામે રહેતા વિશાલ દિનેશભાઇ પલાણી નામના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું.

જયારે આ બનાવમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેણીનું પણ મૃત્યુ નીપજયું હતું. મૃતક યુવતી ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની હોવાનું અને તેણીનું નામ નિકિતાબેન ચંદુભાઈ ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. બનાવ સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ તુરંત પહોંચી ગઈ હતી.

(9:55 am IST)