સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

ચોકીદાર અને મળતીયાએ ગોડાઉનમાં જ ચોરી કરી : જૂનાગઢના બે શખ્સો પાસેથી ૪૦ AC, ૧૧ ફ્રિજ, ૮ વોશીંગ મશીન સહિત ૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ તા. ૨૬ : ઇલેકટ્રોનિકસ સામાનનો વેપાર અને ત્રણ જિલ્લાની ડિસ્ટ્રીબ્યુટર એવા ફરિયાદી રજનીકાંત ઉર્ફે રાજુભાઇ હરિભાઈ વાછાણી પટેલ ઉવ. ૩૯ રહે. ઝાંઝરડા રોડ, અમૃતરાજ એપાર્ટમેન્ટ, બોલક ન. એ-૩, જૂનાગઢ દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ને રૂબરૂ મળી, પોતે એ.સી., ફ્રીઝ, વોશિંગ મશીન, જેવા ઇલેકટ્રોનિકસ સાધનોનો વેપાર કરે છે અને પોતાનું ગોડાઉન દોલતપરા હીરો હોંડા શો રમ વાળી ગલીમાં આવેલ હોઈ, આ ગોડાઉનનું પતરું તોડી, કોઈ ચોર દ્વારા ગોડાઉનમાં પ્રવેશ કરી, એ.સી., ફ્રીઝ, વોશિંગ મશીન, વિગેરે સામાનની ચોરી કરેલાની હકીકત જાણવા મળી હોય, એ ડિવિઝન પોલીસને ફરિયાદીને સાંભળી, કાયદેસર કરવા સૂચના કરતા, પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા આ ચોરીમાં આ ગોડાઉનમાં જ ચોકીદાર તરીકે કામ કરતા રાજુભાઇ બચુભાઇ બાવાજી તથા તેના મળતીયા સચિન દિલીપભાઈ ચૌધરી સંડોવાયેલ હોવાનું તથા ગોડાઉનમાં વેરીફાય કરતા, ગોડાઉનમાંથી ડાઈકિંગ કંપનીના એ.સી. ૦૪, વોલ્ટસ કંપનીના એસ.સી. ૧૪, વિડીયોકોન કંપનીના એસ.સી. ૦૭, હિટાચી કંપનીના એ.સી. નંગ ૨૨, વર્લપુલ કંપનીના એ.સી.નંગ ૦૭, વર્લપુલ કંપનીના ફ્રીજ નંગ ૨૯, વર્લપુલ કંપનીના વોશિંગ મશીન નંગ ૦૫ મળી, કુલ કિંમત રૂ. ૨૧,૧૧,૩૭૪ની ચોરી થયાનું માલુમ પડતા ચોરીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.જી.ચૌધરી, હે.કો. માલદેભાઈ, મોહસીનભાઈ, પો.કો. વિક્રમસિંહ, સુભાષભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઇ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, મળેલ બાતમી આધારે આરોપીઓ (૧) રાજુભાઇ બચુભાઇ રાયપરા બાવાજી ઉવ. ૨૮ રહે. મજેવડી દરવાજા બહાર, ભારત મિલના ઢોરે, જગદીશ મીલ ના કમ્પાઉન્ડમાં, દોલતપરા, તથા (૨) સચિન દિલીપભાઈ ચૌધરી આદિવાસી ઉવ. ૨૩ રહે. જોશીપરા નંદનવન મેઈન રોડ, માધવ એપાર્ટમેન્ટની પાછળને પકડી પૂછપરછ કરવામાં આવતા, છેલ્લા એકાદ વર્ષના ગાળામાં થોડા થોડા કરીને ગોડાઉનમાંથી રાત્રીના સમયે એ.સી., ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન, એલઇડી ટીવી, વિગેરે સામાનની ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી.

એ ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી, પોલીસ રિમાન્ડની માંગણી કરતા, કોર્ટ દ્વારા દિન ૦૩ ના પોલીસ રીમાન્ડ મેળવી, પૂછપરછ દરમિયાન બને આરોપીઓ પોપટ બની ગયા હતા અને બંને આરોપીઓ દ્વારા કરવામાં આવેલ કબૂલાત આધારે જૂનાગઢ, ભાણવડ, વિગેરે જગ્યાએથી જુદી જુદી કંપનીના એર કંડીશન નંગ ૪૦, ફ્રીજ નંગ ૧૧, વોશિંગ મશીન ૦૮, ટીવી ૦૧, ઓવન ૦૧, એસી નું આઉટડોર નંગ ૦૨, દાઢી કરવાના ટ્રિમર નંગ ૦૮ મળી કુલ રૂ. ૧૬,૪૬,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા બાતમીદાર દ્વારા મળેલ બાતમી આધારે ઇલેકટ્રોનિકસ સામાનના ગોડાઉનમાં થયેલ લાખોના સામાનની ચોરીના ગુન્હાના આરોપીઓને પકડી પાડી, ચોરી કરવામાં આવેલ આશરે ૧૭ લાખ નો મુદામાલ કબજે કરી, ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ છે.

(12:55 pm IST)