સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

મોરબીમાં ધોરણ ૧૨માં નાપાસ થવાના ભયે એસીડ પી ગયેલી વિદ્યાર્થીનીનું મોત

મોરબી તા. ૨૬ : રણછોડનગરની રહેવાસી કૃપાલીબેન ભુપેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ.૧૬) નામની સગીરા ગત તા. ૩૧-૧૦ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર એસીડ પી લેતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયું છે જે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ બી ડીવીઝન પોલીસ મથકના હકાભાઇ ચલાવી રહ્યા છે. જેમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એસીડ પી જનાર વિદ્યાર્થીની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી હતી કોરોનાને પગલે શાળાઓ બંધ હોય અને તેનું અંગ્રેજી નબળું હોય જેથી ધોરણ ૧૨ માં નાપાસ થવાના ભયથી એસીડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

માધાપરમાં યુવાનને માર

માધાપર શેરી નં. ૧૯માં રહેતા કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી (ઉ.વ.૪૦) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરા અજયને આરોપી હરેશ રામચંદ્ર બહાદુર અસ્થિર મગજના હોય તેવું લાગતું હોય જેના કારણે આરોપી હરેશ બહાદુરે કાંતિલાલ ડાભીના દીકરા અજયને માથાના ભાગે લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

ટંકારામાં દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જયનગર ગામના પાટિયા પાસેથી પસાર થતી રીક્ષા જીજે ૦૩ ડબલ્યુ ૨૦૮૮ ને આંતરી તલાશી લેતા રીક્ષામાંથી ૨૫૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૫૦૦૦ મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા સહીત રૂ. ૫૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સુરેશ ઉર્ફે ગેદીયો અમરશી ઉર્ફે ચતુર સોલંકી રહે કોટડાનાયાણી તા. વાંકાનેર વાળા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:26 am IST)