સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

મીઠાપુર પંથકમાંથી ચરસના ૧૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

વાંછું ગામના એક શખ્સનું પણ નામ ખુલ્યું

દેવભૂમિ દ્વારકા:ઓખામંડળ મીઠાપુર પંથકમાંથી ગતરાત્રે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, મોજપ ગામેથી રૂ. દસ લાખથી વધુની કિંમતના પોણા સાત કિલોગ્રામ જેટલા ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં વાંછું ગામના એક શખ્સનું પણ નામ જાહેર થયું છે.

 આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઓખામંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા આશાર્યાભા ગગાભા સાજાભા હાથલ નામના ૬૨ વર્ષીય હિન્દુ વાઘેર શખ્સ તથા દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતાઅને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા અબ્બાસ ભીખનભાઈ મકનભાઈ બરાઈ નામના ૪૦ વર્ષીય મુસ્લિમ શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે પોતાના કબજા ભોગવટામાં રાખેલો છ કિલો ૭૩૨ ગ્રામનો ચરસ નામના માદક પદાર્થનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે રૂપિયા ૧૦,૦૯,૮૦૦ ની કિંમતના આશાપુરા સાત કિલોગ્રામ જેટલા ચરસ ઉપરાંત રૂપિયા ૫૦૦ની કિંમતના એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૦,૧૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બન્ને શખ્સોની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં દ્વારકાના વાંછું ગામની સીમમાં રહેતા પત્રામલભા હરિયાભા નાયાણી નામના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આમ, વિશાળ માત્રામાં કહી શકાય એવા ઝડપાયેલા ચરસના આ જથ્થા સાથે પોલીસે બે શખ્સોને દબોચી લઇ, અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી, એન.ડી.પી.એસ. ની કલમ ૮ (સી.), ૨૦ (બી) તથા ૨૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:55 pm IST)