સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

જુનાગઢ વિસ્તારનાં પોલીસ તાલીમ કેન્દ્રો હાલ બંધ રાખોઃ કોંગ્રેસ

હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી આ અંગે યોગ્ય નિર્ણય કરવા શહેર પ્રમુખ અમીત પટેલ દ્વારા તાલીમ કેન્દ્રના આચાર્યને રજુઆત

જુનાગઢ, તા., ૨૬:  કોવીડ-૧૯ની મહામારી વચ્ચે ચાલતા પોલીસ તાલીમ કેન્દ્રો હાલ પુરતા બંધ રાખવા જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ દ્વારા પોલીસ તાલીમ કેન્દ્ર મહા વિદ્યાલય કેન્દ્રના આચાર્યને પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે અમીત પટેલે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતુ કે હાલના સમયમાં સમગ્ર દેશ અને દુનિયામાં કોવીડ-૧૯ની મહામારીએ ભરડો લીધેલો છે અને સુરક્ષા તથા સાવચેતીના કારણે તમામ સ્કુલ-કોલેજ, કોચીંગ કલાસ, અદાલતો, થીયેટર વિગેરે હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. તેની વચ્ચે જાણે પોલીસ જવાનને કાંઇ જ થવાનું ન હોય તેમ સમગ્ર ગુજરાત રાજયના હેડ કવાર્ટરો, મુખ્ય મથકો, પોલીસ તાલીમ કેન્દ્રો મહામારીને નેવે મુકીને ધમધમી રહયા છે. તેમજ જુનાગઢ જિલ્લાના પોલીસ મુખ્ય મથકે તેમજ બીલખા રોડ ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર અને ચોકી (સોરઠ) ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં પણ હાલમાં ૧ હજારથી વધુ એલઆરડી જવાનોની તાલીમ ચાલુ થયેલ છે. જયારે કોરોના સંક્રમણની પુરી પુરી શકયતા રહેલી છે. વધુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે ચોકી સોરઠ ખાતે આવેલ તાલીમ કેન્દ્રમાં થોડા સમય પહેલા ઘણા તાલીમાર્થીઓના કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવેલ હતા. છતા પણ હજુ સુધી તાલીમ કેન્દ્રો બંધ થયેલ નથી. જેથી કરીને ઉપરોકત બાબતે ગંભીરતાથી, તાલીમાર્થીઓના સ્વાસ્થ્યના હિતાર્થે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે પોલીસ તાલીમ કેન્દ્રો તથા જિલ્લાના મુખ્ય મથકો ખાતેની તાલીમો હાલ પુરતી બંધ કરવામાં આવ ેતેવી માંગ કરવામાં આવી છે.

(1:08 pm IST)