સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

જુનાગઢમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓની કાર્યશાળા યોજાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે રવિપૂર્વ મોસમી તાલીમ કાર્યશાળાએ ખેતીવાડી ખાતાના પપ અધિકારીશ્રીઓ જોડાયા હતાં. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્ેશ એ હતો કે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોએ શું કાળજી લેવી જોઇએ તેમજ હવે આવનાર રવિ પાકો માટે શું આયોજન કરવું તે હતો. આ તાલીમ કાર્યશાળાના અધ્યક્ષ અને કુલપતિશ્રી ડો.વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, ચિત્ર ઘણું સારૂ હતું પણ કુદરતે વધુ મહેરબાનીથી  ચિત્ર ઉલટુ થયું. વધુ વરસાદના પાણી ભરાવાના કારણે માગફળીના આગલા દોડવા બચકી ગયા અને નવા અંધાય નહિ. શરૂઆતમાં પ૦ લાખ ટનનો અંદાજ હતો તે અત્યારે ૪૦ લાખ ટન આપી ગયો. કપાસમાં શરૂઆતમાં સારો હતો પણ સતત વરસાદથી તેમાં પણ નુકશાન થયું. આના કારણે પાકની ગુણવતા ઘટશે જેથી ભાવ ઉપર અસર થશે. પણ શિયાળુ પાક આપણા હાથમાં છે તો ખેડૂતભાઇઓને યોગ્ય માર્ગદર્શન આપજો. સમયસર વાવેતર કરે તે જરૂરી છે.

આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.એમ. ગાજીપરાએ જણાવ્યું કે, વર્ષમાં દ્વિમાસિક તાલીમ કાર્યશાળા ૪ તેમજ પૂર્વ મોસમી તાલીમ ર યોજવામાં આવે છે. છેલ્લા છ મહિનાથી કોવીડ-૧૯ના કારણે સરકારશ્રી ગાઇડ લાઇન્સ મુજબ બે પૂર્વ મોસમી તાલીમ તેમજ ર દ્વિમાસિક તાલીમ યોજાઇ. તમોને અમારા તજજ્ઞો જે માર્ગદર્શન આપશે તે ખેડૂતો સુધી માર્ગદર્શન આપજો.

આ પ્રસંગે આત્મા ડાયરેકટર જૂનાગઢના એમ.એમ. કાસુન્દ્રાએ સૌરાષ્ટ્રના જુદા જુદા જીલ્લાની વિગતવાર માહિતી આપી હતી. આ વર્ષ ખરીફ પાકમાં ૧૦,૦૦૦ હેકટરનો વધારો થયો છે અને કપાસનું વાવેતર ઘટયું ત્યારે મગફળી તેમજ સોયાબીનનું વાવેતર વધ્યું છે. ડી.જે. રાઠોડ જુનાગઢ જીલ્લા ખેતીવાડી અધિકારીએ જુનાગઢ જીલ્લાનો વિસ્તાર આપ્યો હતો. આ તાલીમમાં સંયુકત ખેતી નિયામક જુનાગઢ તેમજ રાજકોટે પણ ઉપયોગી સૂચનો કરેલ. રવિ પૂર્વ મોસમી તાલીમમાં તજજ્ઞો ડો. ડી.કે. વરૂએ બાગાયત પાકોની માહિતી આપી હતી. તેલીબીયા વિભાગના શ્રી સાપરાએ મગફળીમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તેમાં ખેડૂતોએ શું કાળજી લેવી તેની માહિતી આપી હતી.

શાકભાજી વિભાગના ડો. કે.બી. આસોદરીયાએ શાકભાજીમાં ધરૂ ઉછેર તથા રવિ પાકમાં આવવાના થતા શાકભાજી વિષે માહિતી આપી હતી. કઠોળ સંશોધન કેન્દ્રમાંથી ડો. જાવીયાએ ચણાનું વાવેતર વધ્યું છે ત્યારે તેની અલગ અલગ જાતોની માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાનના ડો.આર.કે. માથુકીયાએ પાક પદ્ધતિ વિષે તેમજ કીટકશાસ્ત્રના વડા ડો.એમ.એફ. આચાર્ય અને રોગશાસ્ત્ર વિભાગના વડા ડો. એલ.એફ. અકબરીએ હાલની સ્થિતિ તથા રવિ પાકમાં શું પાક સંરક્ષણ અપનાવવું તેની વિગતવાર માહિતી આપી હતી.

(1:07 pm IST)