સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

રાપરમાં સરેઆમ વકીલની હત્યાના ઘેરા પડઘા :મોડી રાત્રેઅંજાર -મુંદ્રા હાઇવે પર ટાયરો સળગાવ્યા :ચક્કાજામ કર્યો

ધારાસભ્યના કાર્યાલય નજીક હત્યા બાદ માનકુવા, સુખપર, ગઢશીસામાં ભારે વિરોધ પ્રદર્શન

રાપર : કચ્છના રાપરમાં  ધારાસભ્યના કાર્યાલય નજીક સારેઅસમ વકીલની હત્યાના ઘેરા પડઘા પડ્યા છે વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરી (ઉ.વ. 50) પર એક યુવાને ભરબજારમાં છરીથી હુમલો કરી નિર્મમ હત્યા કરી હતી આ હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.આ ઘટનાની જાણ થતા  તુરંત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

 આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે મોડી રાત્રે અંજાર મુંદ્રા હાઇવે પર ટાયરો સળગાવીને લોકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. સારી લોકચાહના ધરાવતા વકીલની હત્યા બાદ માનકુવા, સુખપર, ગઢશીસામાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

આ સાથે જ રાપર પોલીસે હત્યાના CCTVનાં આધારે શંકાસ્પદ શખ્સના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યાં છે. નોંધનીય છે કે, આ હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી જેમાં વકીલ આવ્યાં અને હુમલાખોર તેમની રાહ જોઇને ઉભો રહ્યો હતો. આ હુમલાખોર માત્ર 10 સેકન્ડમાં જ હુમલો કરીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે હજી સુધી આ હત્યા પાછળ કયુ કારણ જવાબદાર તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.

CCTVના દ્રશ્યોમાં જોઇ શકાશે કે પહેલેથી જ વકીલ દેવજીભાઈની ઓફિસની બહાર લાલ કલરની ટી શર્ટ પહેરીને એક શખ્સ ઉભો હતો. એવામાં થોડી વારમાં જ વકીલ દેવજીભાઈ ઓફિસની અંદર જાય છે. તુરંત જ આ શખ્સ દેવજીભાઈ પર છરીથી હુમલો કરી નાખે છે.

વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરી મૂળ લખપત તાલુકાના નરા ગામના વતની હતાં. તેઓ છેલ્લાં 20 વર્ષથી વકીલાત કરતા હતાં. તેઓ ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ પણ હતાં અને રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના કાર્યાલયની બાજુમાં જ તેઓ ઓફિસ ધરાવતા હતાં.

શુક્રવારે સાંજે સાડા છની આસપાસ જ્યારે તેઓ ઓફિસે જઇ રહ્યાં હતાં. ત્યારે અચાનક એક યુવાન છરી લઈને બહાર વકીલની રાહ જોઈ રહ્યો હતો. દેવજીભાઈ જેવાં ઓફીસના પગથિયાં ચડ્યાં કે તુરંત હુમલાખોરે તેમની પર હુમલો કરીને લોહીલુહાણ (kutch crime news) કરી નાખ્યાં અને આરોપી તેમની ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

જો કે ત્યાર બાદ વકીલ દેવજીભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હુમલો કરનાર શખ્સ CCTVમાં પણ કેદ થઇ ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ રાપરના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. CCTVને આધારે પોલીસે તેમાંથી શંકાસ્પદ આરોપીનાં ફોટા પણ જાહેર કર્યાં છે.

(11:52 am IST)