સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

૧પ લાખની ખંડણી નહીં આપતા શિહોરના ઘાંચી કર્મચારીની હત્યા

અનિકેત સોલંકીએ જીટીપીએલના રજાકભાઇ સેલોટનું અપહરણ કરી પેટના ભાગે હથીયારના ઘા ઝીંકયા

ભાવનગર, તા. ર૬ : શિહોરમાં જીટીપીએલના કર્મચારીનું અપહરણ કરી રૂ. ૧પ લાખની ખંડણી માંગતા અને રકમ નહિ મળતા છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગરના શિહોરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અને જીટીપીએલ.માં નોકરી કરતા અને સાથોસાથ પાનનો વેપાર કરતા ઘાંચી રજાકભાઇ સુવાણીભાઇ સેલોટ ઉ.વ.પ૦નું અપહરણ કરી રજાકભાઇના મોબાઇલમાંથી જ તેની દિકરી સુમૈયાબેન રજાકભાઇને ફોન કરી 'તારા બાપને જીવતો જોવો હોય તો રૂ. ૧પ લાખનો થેલો તૈયાર રાખજે' તેમ કહી અનિકેત ભરતભાઇ સોલંકીએ ધમકી આપી હતી.

પિતાના ફોનમાંથી આવેલ ધમકીભર્યા ફોનની વાત સુમૈયાબેને તેના ભાઇ અને પરિવારજનોને કહી પિતાની શોધખોળ શરૂ કરી હતી અને આ અંગે શિહોર પોલીસમાં જાણ કરી હતી.

દરમ્યાન શિહોરના મોંઘીબાની સમાધી પાસેથી અપહરણ કરાયેલ રજાકભાઇ ઘાંચીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે સુમૈયાબેન રજાકભાઇ ઘાંચીએ શિહોર પોલીસ સ્ટેશનમાં સિશહોરના જ અનિકેત ભરતભાઇ સોલંકી વિરૂદ્ધ રૂ.૧પ લાખની માંગણી કરી રૂપિયા નહિ આપતા તિક્ષણ હથીયારથી પેટના ભાગે ઘા ઝીંકી પિતાની હત્યા કરવા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ શિહોર પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.ડી. ગોહિલ ચલાવી રહ્યા છે.

મૃતક રજાકભાઇને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રીઓ સહિત છ સંતાન છે. બનાવથી ભારે ચર્ચા જાગી છે.

(2:19 pm IST)