સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

ટંકારામાં ડૂબી જતા બે પરપ્રાંતિયના મોત

મચ્છુ ડેમ પાસે ઝૂંપડામાં રહેતા હતા : સંબંધીને ત્યાં આવેલ અને પછી ન્હાવા જતા તેરનાલામાં ડૂબી ગયા

ટંકારા,તા. ૨૬: ધ્રુવ નગર નજીક તેર નાલાપાસેના વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાં બે યુવાનો ડૂબી જતાં બન્નેના કરુણ મોત નિપજયા હતા.બન્ને યુવાનો પાણીના પ્રવાહમાં ન્હાવા પડ્યા બાદ ઉડા પાણીમાં ગરકાવ થઈ જતા આ કરૃંણ ઘટના સર્જાઈ હતી.

આ બનાવને પગલે ટંકારા પોલીસ મામલતદાર સાહિતનાએ દ્યટનાસ્થળે દોડી જઈને તરવૈયાઓની મદદથી બન્ને યુવકોની લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો અનુસાર બે પરપ્રાંતીય યુવાનો ડૂબી ગયા હતા. મામલતદાર એમ.જે.પટેલ, પીએસઆઇ બી. ડી.પરમાર અને સ્થાનિક આગેવાન દેવકરણભાઈ ભટાસણા સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તરવૈયાની મદદથી પાણીના પ્રવાહમાં ડૂબી ગયેલા બન્ને યુવકોના મૃતદેહો બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.બન્ને મૃતકોના નામ અર્જુન અને દિનેશ હોવાનું જાણવા મળ્યું છે.આ બન્ને મૃતકોની ઉંમર ૨૮ થી ૩૦ વચ્ચેની હોવાનું અનુમાન છે.બન્ને મૃતકો રફાળેશ્વર પાસેના મચ્છુ ડેમ નજીક ઝુંપડા બાંધીને રહેતા હતા અને અહીંયા કોઈ સંબંધીને ત્યાં આવ્યા બાદ આજે બન્ને યુવાનો પાણીના પ્રવાહમાં ન્હાવા પડ્યા હતા.જોકે રાજવડ ડેમથી અહીં પાણી આવતું હોય આશરે ૪૦ ફૂટ ઊંડા પાણીમાં ન્હાવા પડતા આ કરુણ દ્યટના સર્જાઈ હતી.

(11:28 am IST)