સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

ગોંડલમાં ૮ દી'માં સોની પતિ-પત્નિના મોત : ભાવનગર -૪૫, મોરબીમાં ૨૫ કેસ

કોવિડ હોસ્પિટલમાં એકલતાના લીધે વૃધ્ધો મોતને ભેટી રહ્યા હોવાનો માતા -પિતા ગૂમાવનાર ગોંડલના પરેશભાઇ માંડલિયાનો વસવસો

રાજકોટ,તા. ૨૬: સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોના શાંત થવાનું નામ લેતુ નથી. એક તરફ કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ ઓછો થતો નથી. મળતા અહેવાલ અહી રજુ છે.

ગોંડલના પરિવારે કોરોનાના કારણે માતા-પિતાની છત્રછાયા ગૂમાવી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલઃ યોગીનગર વિસ્તારમાં રહેતા અને જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા સોની પરિવારના વૃદ્ઘ દંપતીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક જ સપ્તાહમાં બંનેના મોત નિપજતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. પરિવાર મજબૂર એ હતો કે વૃદ્ઘ માતા હોસ્પિટલમાં હોય અને પિતાનું નિધન થતા સગા સ્નેહીઓ ને અવસાન ની જાણ પણ કરી શકયા ન હતા.

ગોંડલ શહેર પંથકમાં કોરોના વિકરાળ બની રહ્યો છે ટપોટપ લોકોના જીવ લઈ રહ્યો છે ત્યારે અત્રેના યોગીનગરમાં રહેતા સોની પરિવાર સાથે બનેલી ઘટના કાળજુ કંપાવી ઊઠે તેવી છે જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા જયંતીલાલ માંડલિયા અને તેના પત્ની વસુમતીબેન પંદર દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં એડમિટ થવા પામ્યા હતા દરમિયાન જયંતીલાલનું નિધન થતાં પરિવાર શોકાતુર બન્યો હતો સાથોસાથ એવો મજબૂર થયો કે પિતાના નિધનની અન્ય કોઇને જાણ પણ કરી શકતા ન હતા કારણ કે તેના માતા પણ હોસ્પિટલમાં પથારી પર હતા જો જયંતીલાલ ના મોતની જાણ તેઓને થાય તો તેઓ ગહેરો આઘાત જીરવી શકે તેમ ન હતા પરંતુ કુદરત કઠોર બન્યો હોય ત્યાં કોઈનું કેમ ચાલે માત્ર આઠમા દિવસે પતિના વાટે વસુમતી બેન પણ ચાલી નીકળતા પરિવારે એક સપ્તાહમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.

વૃદ્ઘ દંપતીના પુત્ર પરેશભાઈએ ભીની આંખે જણાવ્યું હતું કે ખરેખર હોસ્પિટલમાં એકલતાના કારણે વૃદ્ઘો મોતને ભેટી રહ્યા છે જો દિવસ દરમિયાન માત્ર પંદર મિનિટ કે અડધો કલાક પીપી કીટ પહેરીને જો દર્દીને મળવા દેવામાં આવે તો સો ટકા મને વિશ્વાસ છે કે વૃદ્ઘ મોતના મુખમાં ધકેલાતા અટકી શકે મારી સરકારને વિનંતી છે કે ખરેખર વૃદ્ઘ દર્દીઓને મળવાનો સમય આપવો જોઈએ.

ભાવનગરમાં ૩૮૨ સારવાર હેઠળ

ભાવનગરઃ જિલ્લામા વધુ ૪૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૯૯૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૧૧ સ્ત્રી મળી કુલ ૨૯ કેસો નોંધાયા છે. જયારે તાલુકાના ભંડારીયા ગામ ખાતે ૧,  ગુંદી ગામ ખાતે ૧, ખડસલીયા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૬, સિહોર ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૧, છાપરી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામ ખાતે ૧ તેમજ  પાટણા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૪ અને તાલુકાઓના ૫ એમ કુલ ૩૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૩,૯૯૧ કેસ પૈકી હાલ ૩૮૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૫૩૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૪ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જીલ્લામાં ૨૪ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબીઃ જીલ્લામાં કોરોનાના નવા ૨૫ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૪ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે તો મૃત્યુઆંકમાં રાબેતા મુજબ કોઈ વધારો થયો નથી.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૦ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૧૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં, હળવદમાં ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં તેમજ ટંકારા અને માળિયામાં ૦૧-૦૧ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૫ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૧૬૦૮ થયો છે જેમાં ૨૬૦ એકટીવ કેસ છે જયારે ૧૨૬૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

જયેશભાઇ રાદડીયા સંપૂર્ણ સ્વસ્થ

ધોરાજીઃ ગુજરાતના યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને તાજેતરમાં કોરોના પોઝીટીવ આવેલ બાદમાં હોમ કોરેન્ટાઇન થયેલ. જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોના લોકોએ યુવા ખેડૂત નેતા એવા કેબીનેટ મંત્રીની તબીયતમાં ઝડપથી સુધારો થાય એ માટે પુજા, અર્ચના કરેલ અને કેબીનેટ મંત્રીએ કોરોનાને મ્હાત આપી છે તેથી ફરી થોડા દિવસોમાં લોક સેવાના કાર્યો ચાલુ કરશે.

(11:26 am IST)