સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

ખોટું કામ કરનારા , ખોટા લોકો ને કોઈપણ બાબતની ચિંતા હોતી નથી : તુલસીશ્યામ ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને " માનસ વૃંદા "શ્રી રામકથાનો પ્રારંભ

રાજકોટ:::ખોટું કામ કરનારા , ખોટા લોકો ને કોઈપણ બાબતની ચિંતા હોતી નથી તેમ અમરેલી જિલ્લાના પવિત્ર યાત્રાધામ તુલસીશ્યામ ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને " માનસ વૃંદા "શ્રી રામકથાનો પ્રારંભ કરતાં પૂજ્ય મોરારિબાપુએ જણાવ્યું હતું.

           પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું કે કોરોના મહામારી ના કારણે તુલસીશ્યામ ખાતે આયોજિત શ્રી રામ કથામાં કોરોના ન પ્રસરે તે માટેના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.

      અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી શ્યામ જ્યાં બિરાજમાન છે, જેની સન્મુખ ડુંગર ઉપર માં રુક્ષમણિમાંનાં બેસણાં છે તેવાં- સોરઠનાં પ્રસિદ્ધ તીર્થધામ - તુલસીશ્યામ ધામમાં રુક્ષમણિમાંના ડુંગર ઉપર પૂજ્ય મોરારીબાપુની ઓનલાઈન  રામકથાનો મંગલ પ્રારંભ આજે સવારે થયો છે.

સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેનું વિશેષ મહાત્મ્ય છે, એવા પુરુષોત્તમ માસના પાવન દિવસોમાં, શ્યામધામ સમાન પરમ તિર્થ ખાતે પૂજ્ય બાપુ દ્વારા રઘુનાથ ગાથાનાં સુમંગલ ગાન શ્રવણનો લાભ શ્રોતાઓને આસ્થા ટીવીનાં  તેમજ ચિત્રકુટધામ તલગાજરડાનાં યુ-ટ્યૂબનાં માધ્યમથી મળશે. 

પૂજ્ય બાપુ દ્વારા તુલસીશ્યામ ખાતેની આ બીજી રામકથા યોજાઇ રહી છે. 

પ્રકૃતિ જ્યાં સોળે કળાએ ખીલી છે, લીલી વનરાઇનાં પર્ણોનાં સંગીતથી જયાં શ્યામની ઝાલરૂં વાગે છે, મોરલા અને કોયલના ટહુકાથી જયાં શ્યામની આરતી ગવાઈ છે, ડાલા મથ્થા સિંહનીં ડણકુંના નગારે ઘા થઇને જ્યાં ભગવાન શ્યામસુંદરની આરતી ઉતરે છે,એવાં તુલસીશ્યામ તીર્થધામમાં પરમ પૂજ્ય બાપૂની શ્રોતા વગરની રામકથાનો લાભ લેવા સંસ્થાના સંચાલક શ્રી પ્રતાપભાઇ વરુએ સહુ ભાવિકો - કથા પ્રેમીઓને પ્રાર્થના સાથે વિનંતી કરી છે કે આ શ્રોતા વગરની સપ્તાહ છે. કોરોનાનાં કારણે તુલસીશ્યામ મંદિર સંપૂર્ણ બંધ છે,તો સૌએ આસ્થા ચેનલ અથવા યુટ્યૂબ પર શ્રવણ લાભ લેવો. શ્યામધામ અંગે વિશેષ પૃચ્છા માટે મોબાઇલ નંબર ૯૮૭૯૧૪૪૩૪૩ પર વાત કરી શકાશે. તેમ તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટના પ્રતાપભાઈ એસ વરૂ, ડૉ. બી બી વરૂ તથા ટ્રસ્ટીશ્રીઓએ જણાવ્યું છે.

(11:24 am IST)