સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

રાપરમાં વકીલની નિર્મમ હત્યા

ધારાસભ્યની ઓફીસ પાસે જ છરી વડે વેંતરી નાખ્યા : મૃતક દિનેશભાઇ મહેશ્વરી બામસેફ્ના સક્રીય કાર્યકર અને ઈન્ડિયન લોયર એસો.ના અધ્યક્ષ હતાઃ પોલીસ કાફલો તૈનાત

ભુજ,તા. ૨૬: રાપરમાં દેના બેંક ચોકથી આગળ સરકારી વસાહતની સામે રાપરના ધારાસભ્યના કાર્યાલય નીચે જ એક ધારાશાસ્ત્રીની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. બનાવને પગલે રાપર પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ  હતી.

વિગતો મુજબ રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના કાર્યાલય નીચે જ હત્યાનો બનાવ બન્યો હતો. રાપર પીઆઇ જી.એલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીને ત્રણેક છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બનાવને પગલે ખુદ પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ઘસી ગયો હતો. ઘટના બાદ પોલીસે કાયદો -વ્યવસ્થા જાળવવા સહિત બનાવ કઇ રીતે બન્યો અને કોણે ઘટનાને અંજાબ આપ્પો તે સહિતની તપાસ આદરી હતી.

રાપરમાં ગઈકાલે સાંજે દલિત સમાજના આગેવાન અને વ્યવસાયે વકીલ દિનેશ મહેશ્વરીની સરાજાહેર હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. ધારાસભ્ય સંતોકબેન પટેલની ઓફીસની નીચે જ રાહ જોઈને ઉભેલા હત્યારાએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ થયેલા દિનેશભાઈને હોસ્પીટલમા ખસેડાયા હતા પણ તેમનું કરુણ મોત નિપજયું હતું. મૃતક દેવજી મહેશ્વરી ઈન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ અને બામસેફના સક્રીય કાર્યકર હતા. તેમના મોતને પગલે રાપર શહેર અને આડેસર સહિતના ગામોમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દેવજીભાઈની હત્યાને પગલે માંડવીના ગઢશીશા અને ભુજના માનકુવા ગામમા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું હતું. કચ્છના દલિત સમાજ દ્વારા આક્રોશ સાથે હત્યારાઓને ઝડપી પાડવા માંગ કરાઈ છે.  વિગતો મુજબ હત્યારો અગાઉથી જ તેમની ઓફિસની નજીક આવેલ પાઉંભાજી, ભજીયાની દુકાન પાસે રાહ જોઈને ઉભો હતો. તે પોતાનો મોબાઈલ પાઉંભાજીની દુકાનમાં ભુલી ગયો હોવાનુ અને સીસી ટીવી કેમેરામાં પણ તેના ફૂટેજ આવ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસે તમામ પુરાવાઓ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)