માંગરોળ પાસે ૧૧ કેવી વીજ વાયર ટ્રેકટરને અડી જતા યુવાન ભડથુઃ બે યુવકને ઈજા
લાઠોદ્રાથી બળતણ ભરીને જતા'તા ત્યારે કરૂણાંતિકા સર્જાઈ
જૂનાગઢ, તા. ૨૬ :. માંગરોળ પાસે ૧૧ કેવી વીજ વાયર બળતણ ભરેલા ટ્રેકટરને અડી જતા એક યુવાન વીજ કરંટ લાગવાથી ભડથુ થઈ ગયો હતો અને અન્ય બે યુવકને ઈજા થઈ હતી.
આ બનાવ અંગે જાણવા મળેલી વિગતો એવી છે કે, માંગરોળ તાલુકાના શીલ ગામનો રાહુલ રમેશભાઈ ભરડા-કોળી (ઉ.વ. ૧૮) નામનો યુવાન તથા તેનો ફઈનો દીકરો મહેશ લખમણભાઈ વાઢેર સહિતના ત્રણ યુવાનો ગઈકાલે ટ્રેકટરમાં લાઠોદ્રા ગામેથી ટ્રેકટરમાં નાળીયેરીના બળતણ ભરીને પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આરેણા પરવડ વિસ્તારમાં રોડ પરથી ટ્રેકટર પસાર થઈ રહ્યુ હતુ ત્યારે ૧૧ કેવીની હેવી વીજ લાઈનને નાળીયેરીના બળતણ અડી જતા ટ્રેકટરમાં શોર્ટ સર્કીટ થઈ હતી.
જેમાં રાહુલ ભરડાનું દાઝી જવાથી મૃત્યુ થયુ હતું. જ્યારે મહેશ વાઢેર સહિત બે યુવાનોને ઈજા થતા બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતા માંગરોળ મરીનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. ડી.કે. વાઘેલા વગેરે તુરંત દોડી ગયા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)