સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th September 2019

કેશોદના વેપારીની પત્નીને મિત્ર અને બહેન બનાવી સુરતી રૂ.૭.૫૨ લાખની મતા ચોરી ગયો

સુરતના વિવેક મુલાની સામે ઠગાઇ-વિશ્વાસઘાતની ફરિયાદ

જુનાગઢ તા.૨૬: કેશોદના એક વેપારીની પત્નીને મિત્ર અને બહેન બનાવી બાદમાં એક સુરતી શખ્સ રૂ.૭.૫૨ લાખની મતા ચોરીને નાસી જતા વેપારીએ સુરતના વિવેક મુલાની નામના શખ્સ સામે ઠગાઇ અને વિશ્વાસની ફરિયાદ કરી છે.

આ અંગે વિગતો એવી છે કે કેશોદમાં મહિલા કોલેજ પાછળ આવેલ ડી.પી.રોડ વિસ્તારમાં રહેતા વેપારી મનીષભાઇ કાનજીભાઇ ચનીયારા (ઉ.વ.૪૦)ના પત્ની મીતાબેનને સુરતના વરાછા વિસ્તારનો વિવેક જીવરાજભાઇ મુલાની નામના શખ્સે ફેસબુકમાં મિત્ર બનાવેલ.

બાદમાં વેપારીની પત્નીને બહેન બનાવી આ શખ્સે મીતલબેનનો વિશ્વાસ કેળવી લીધો હતો. આ પછી તેણી સાથે સારો સંબંધ બનાવી આ શખ્સ વેપારી મનીષ ચનીયારાના ઘરે રોકાવા આવેલ.

આ દરમ્યાન ગઇ કાલે બપોરના ૧૧ થી બપોરના ત્રણેક વાગ્યા દરમ્યાન વેપારીના ઘરના સભ્યો કોઇ હાજર ન હતા.

ત્યારે સુરતનો વિવેક મુલાની નામનો શખ્સ મનીષભાઇના રૂમમાં ડ્રેસીંગ ખાનુ તોડી તેમાંથી રૂ.૧,૮૨,૩૫૦ની કિંમતનું સોનાનું મંગલસુત્ર, રૂ.૫૯,૮૯૦ના સોનાના હાથના કડા, સોનાની બે બુટી, વીંટી વગેરે ઉપરાંત રૂ.૧.૧૦ લાખની રોકડની ચોરી કરી લીધી હતી. તેમજ આ શખ્સ ઘર બહાર પાર્ક કરેલ વેપારીની રૂ.૩ લાખની કિમતની જીજે ૧૧ એબી-૮૩૭૪ નંબરની  સ્વીફટ કાર સહિત કુલ રૂ.૭,૫૨,૨૪૦ની કિમતની માલમતા ચોરીને સુરતનો વિવેક જીવરાજ મુલાની નાસી ગયો હતો.

આ પછી ઘરે પહોંચેલા વેપારીને જાણ થતા તેના હોશ કોશ ઉડી ગયા હતા. પોલીસે સુરતી સામે ઠગાઇ વિશ્વાસઘાતનો ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી કરી હતી વિશેષ તપાસ પીઆઇ ડી.જે. ઝાલા  ચલાવી રહ્યા છે.

(3:51 pm IST)