સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th September 2019

ગોંડલના મોવિયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના એક વર્ષ પુર્ણની ઉજવણી

મોવિયા તા.૨૬ : આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના એક વર્ષ પુરૂ થતા સમગ્ર ભારતમાં તેની ઉજવણી ૨૩ સપ્ટે.ના રોજ કરાયેલ જેના ભાગરૂપે મોવિયા આરોગ્યકેન્દ્રમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં એક આરોગ્ય વિષયક સેમીનારનું આયોજન કરાયેલ. તેમજ કોમ્યુનીટી હોલમાં એક ગુરૂ શિબિરનું આયોજન કરેલ જેમાં બહોળી સંખ્યામાં બહેનો હાજર રહેલ. પ્રા.આ.કેન્દ્રના આરોગ્ય અધિકારી દ્વારા અને સ્ટાફે આરોગ્યપદ જીવનશૈલી અને જીવનમાં યોગ અને કસરતના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ કુદરતી આહાર વિહાર અને જૈવીક ખેતીથી પકાવેલ ખોરાક વિશે માહિતી આપી હતી. મા અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જેમ જ રૂ. પ લાખ સુધીની સારવાર વિના મુલ્યે મળશે તેવી સમજણ આપતા જણાવેલ કે ગુજરાત સરકારે આ બંને યોજનાને જે લાભ મળે તે લાભ હવે ગુજરાતમાં મળશે અને દરેક કાર્ડધારકને રૂ. પ લાખનુ વાર્ષિક આરોગ્ય વિમા કવચ પુરૂ પાડશે. આ યોજનામાં આવતી પ્રાઇવેટ હોસ્પિટલોની યાદી આપી અને આ હોસ્પિટલોમાં મોંઘી સારવાર મેળવેલ લાભાર્થીને પોતાના અનુભવો શેર કરાવેલ હતા.

ગામની શાળાઓના બાળકો દ્વારા બે રેલીનુ આયોજન કરેલ જે ગામમાં જૂદા જૂદા જાહેર માર્ગો પર ફરીને યોજનાના સુત્રો પોકારીને લોકજાગૃતિનો પ્રયાસ કરેલ હતો. આ ઉજવણીને સફળ બનાવવા માટે ગામની દરેક આશા બહેનો અને આંગણવાડીના બહેનોએ તેમજ આરોગ્ય સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમમાં મેડીકલ ઓફીસર ડો.જયોતી પટેલે માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.

(11:43 am IST)