સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th September 2019

ગારીયાધાર ન.પા. સ્વીપર મશીનની ખરીદીની ગેરરીતિ સાબીત થઇ

નિયામક દ્વારા પ્રક્રિયાની જવાબદારોની વિગતો મંગાવાઇ : ન.પા. પ્રમુખ, ચીફ ઓફીસર અને ડીઝાઇન પોઇન્ટ પર લટકતી તલવાર

ગારીયાધાર, તા. ર૬ : નગર પાલિકા કચેરીના એક પછી એક ગોટાળાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે નિયામક દ્વારા ન.પા. ખાતે રોડ સ્વીપર મશીનની ખરીદીમાં ગેરરીતિ સાબિત થઇ હોય તેની પુષ્ટી કરી જવાબદારો સામે પગલા લેવા માટે તમામના હોદ્દાઓ સાથેની માહિતીઓ મંગાવાતા ન.પા. ખાતે હડકંપ મચી જવા પામ્યો છે.

વિરોધપક્ષના મહિલા સદસ્ય સમીમબેન ફિરોજભાઇ કાસમાણી દ્વારા ન.પા. કેચરી ખાતે રોડ સ્વીપર મશીનની ગેરરીતિ કર્યા હોવાના આક્ષેપો સાથે નિયામક કચેરી ખાતે તપાસની માંગ કરવામાં આવી હતી જેમાં નિયામક કચેરી દ્વારા ડેપ્યુટી કલેકટર પાસે અહેવાલો મંગાવી પુર્તતા કરતા ગેરરીતિની ગંધ આવતા નિયામક દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને તપાસ આપવામાં આવી હતી. જેમાં ન.પા. દ્વારા ટેન્ડર અને ખરીદાયેલ વાહનમાં વિસંગતતા અને ચૂકવાયેલા નાણામાં ભારે તફાવતો જણાતા સમગ્ર પ્રકરણની તપાસના અહેવાલો નિયામક આપવામાં આવ્યા હતાં.

જે સમગ્ર પ્રકરણમાં તા. ર૯-૩-૧૯ થી ર૦-૭-૧૯ સુધીમાં રજૂ થયેલા અહેવાલો, ટેનીકલ બાબતો જોતા અને ડીઝાઇન પોઇન્ટ અમરેલી તથા ન.પા. કલાર્ક દ્વારા ટેન્ડરમાં અવોલ ફેરફાર એને રજૂ કરવામાં આવેલ સાહિત્ય તેમજ સંદર્ભોની તમામ વિગતોના ધ્યાને લઇ ન.પા. દ્વારા કરવામાં આવેલ પ્રક્રિયામાં ગેરરીતિ થયાની પુષ્ટી થાય છે.

જે પ્રક્રિયામાં ગેરરીતિ માલુમ પડતા નિયામક દ્વારા પ્રક્રિયાના જવાબદાર હોદ્દેદારોના નામ સહિતના અહેવાલો મંગાવાતા ન.પા. કચેરી ખાતે આજે હડકંપ મચી જવા પામ્યો છે જે સમગ્ર પ્રક્રિયામાં પ્રમુખ, ચીફ ઓફીસર અને ડીઝાઇન પોઇન્ટ પર લટકતી તલવાર આવ્યાની માફક બન્યું છે.

ગારીયાધાર ન.પા. કચેરી પાસે આ સંદર્ભે જવાબદારોના હોદ્દા સાથે નામો મંગાવાયા છે. હજુ સુધી આ સંદર્ભે ગારીયાધાર ન.પા. દ્વારા કોઇ પ્રતિ ઉતર આવ્યો નથી. બીજી નોટીસ આપી કાર્યવાહી થશે.

(11:40 am IST)