સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th July 2021

મોરબીમાં વિજ પોલ સાથે બાઈક અડકી જતા આશાસ્પદ યુવાનનું મોત: અન્ય એક સ્વાન પણ મોતને ભેટયો.

વરસાદી વાતાવરણને પગલે વિજપોલ શોર્ટ સર્કિટ થતા કરુણ ઘટના સર્જાઈ : શોટ સર્કિટને કારણે એક શ્વાનનું પણ મોત

 

 

મોરબી : વરસાદી વાતાવરણમાં વિજપોલમાં શોર્ટ સર્કિટ થતું હોવાથી વિજશોક લાગવાની દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે આજે મોરબીમાં વરસાદી વાતાવરણ દરમિયાન વીજપોલને બાઈક અડકી જતા બાઈક સવાર આશાસ્પદ યુવાન અને એક શ્વાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે રહેતા મયુરસિંહ જીતુભા ગોહેલ (ઉ.વ.20) નામનો યુવાન આજે પોતાના બાઈક લઈને મોરબીના નવા ડેલા રોડ ઉપર રાવલ શેરી પાસેથી કોઈ કામ સબબ પસાર થઈ રહ્યો હતો. જો કે આજે વરસાદ ચાલુ હોય અહિયાં આવેલ વિજપોલમાં શોર્ટ સર્કિટ થયેલ હોવાથી આ યુવાનનું બાઈક વિજપોલ સાથે અડકી જતા યુવાનને વીજ શોક લાગ્યો હતો. આથી, યુવાનનું મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત આ વિજપોલમાંથી શોક લાગતા એક શ્વાનનું પણ મોત નીપજ્યું હતું. વિજપોલમાં શોક લાગવાથી યુવાનનો ભોગ લેવાતા તેના પરિવાર અરેરાટી મચી ગઇ હતી અને આ બનાવથી રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ આ મામલે એ-ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(10:03 pm IST)