સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th July 2021

ભુજમાં રહેતી જેતપુરની કોલેજીયન યુવતી ઉપર બોયફ્રેન્ડનો છરી વડે હુમલો

યુવાનની હરકતો અંગે જાણ થતાં યુવતીએ નંબર બ્લોક કરી ફ્રેન્ડશિપ તોડી, એન્જીન્યરીંગ કોલેજ ગયેલી યુવતીને મળવા બોલાવી છરી ઝીંકી

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) આજના યુવા વર્ગ વચ્ચેની દોસ્તી અને ફ્રેન્ડશિપ દરમ્યાન થતાં મનમુટાવ અને બ્રેક અપ બાદ માર ફૂટ સહિત હિંસાત્મક હુમલાઓના બનાવ વધી રહ્યા છે. ભુજમાં રહેતી સૌરાષ્ટ્રના જેતપુર બાજુની ૨૧ વર્ષીય યુવતી ઉપર તેના બોયફ્રેન્ડ નરેન્દ્રસિંહ રવાજી જાડેજા દ્વારા છરી વડે કરાયેલા હુમલાએ ચકચાર સર્જી છે. આ બનાવ ભુજના સહયોગ નગર અને નર નારાયણ નગર વચ્ચે બન્યો હતો. એન્જિનિયરિંગ કોલેજમાં ગયેલી યુવતીનો પીછો કરી આ યુવાને તેને મળવા બોલાવી હતી. બન્ને વચ્ચે હમણાં ઘણા સમયથી ફ્રેન્ડશિપ હતી. પરંતુ  ભુજના પૂર્વ નાયબ મામલતદારના પુત્ર એવા નરેન્દ્રસિંહ દ્વારા અગાઉ એક સગીર યુવતીને બ્લેક મેઈલ કરી પોતાની સબંધ રાખવા મજબૂર કરવાના બનાવમાં એ સગીર યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં અત્યારે નરેન્દ્રસિંહ જામીન ઉપર છે. બોયફ્રેન્ડની અગાઉની કરતૂતો અંગે જાણ થયા બાદ યુવતીએ તેનો નંબર બ્લોક કરી તેની સાથે ફ્રેન્ડશિપ રાખવાની ના પાડી દેતાં બોયફ્રેન્ડ નરેન્દ્રસિંહ ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાટમાં તેણે યુવતીને બોલાવી પોતાની સાથે ફ્રેન્ડશિપ રાખવા દબાણ કરતાં યુવતીએ આનાકાની કરતાં પેટ ઉપર છરી ઝીંકી હતી સ્વબચાવમાં યુવતીએ હાથ આડો દેતાં તેના હાથની નસ કપાઈ ગઈ હતી. અત્યારે યુવતી સારવાર હેઠળ છે. બે દિ' પહેલાં બનેલા આ બનાવ અંગે સમાધાન કરી ફરિયાદ ન કરવા બેઠક કરાઈ હતી. પરંતુ અંતે પોલીસ ફરિયાદ નોંધાતાં આરોપી નરેન્દ્રસિંહ જાડેજાની ભુજ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે.

(10:08 am IST)