સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

મોરબી પોલીસે સવા બે વર્ષમાં 45,384 લોકોને રૂ.2.28 કરોડના ઈ-મેમો મોકલ્યા.

મોરબીમાં સીસીટીવીથી ચોરી, લૂંટ, અપહરણ સહિતના 157 ગુના ઉકેલાયા

મોરબી : મોરબીમાં પોલીસ તંત્રએ ટ્રાફિકની સમસ્યા ઉકેલવા અને ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં સીસીટીવી પ્રોજેકટ ખૂબ જ સફળ રહ્યો હોવાનો દાવો કર્યો છે. જેમાં સવા બે વર્ષના સમયગાળામાં સીસીટીવી મારફત ટ્રાફિકના નિયમોના ભંગ કરતા પકડાયેલા 45374 લોકોને ઇ-ચલણ ફટકાર્યા છે. જો કે ટ્રાફિકના ભંગ બદલ મેમોની સાથે ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં સીસીટીવીની ચાવીરૂપ ભૂમિકા રહી છે. જેમાં બે વર્ષમાં મોરબીમાં સીસીટીવીથી ચોરી, લૂંટ, અપહરણ સહિતના 157 ગુના ઉકેલાયા છે.
મોરબી ઠેરઠેર સીસીટીવી કેમેરા નંખાયા બાદ આશરે સવા બે વર્ષના સમય ગાળામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઓનલાઈન મેમો ફટકારવા માટે ઇ ચલણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા સીસીટીવીમાં દેખાયા બાદ 45374 લોકોને ઇ ચલણ ફટકાર્યા છે. જેની રૂ. 2,28,45,600 જેવી દંડની રકમ થાય છે. જેમાંથી મોરબીમાં 21716 એટલે કે 45 ટકા લોકોએ ઈ-મેમો રૂપે દંડના 1 કરોડથી વધુ રકમ ચૂકવી છે. રૂપિયા 1.26 કરોડ જેટલા ઈ-મેમોનો બાકી દંડ વસૂલવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સીસીટીવી સર્વેલન્સ સાંભળતા પીએસઆઈ પટેલે કહે છે કે, સીસીટીવી કેમેરા માત્ર ટ્રાફિકના દંડ માટે જ નહીં પણ ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં પણ મહત્વના સાબિત થયા છે. હત્યા, લૂંટફાટ, ચોરી, ચિલઝડપ સહિતના ગંભીર ગુનામાં પણ આ સીસીટીવી કેમેરામાંથી આરોપીઓનું પગેરું દબાવવામાં મહત્વની કડી હાથ લાગી છે.
જેમાં છેલ્લા બે વર્ષમાં સીસીટીવી કેમેરાથી મોરબીમાં 10 અકસ્માત-હિટ એન્ડ રન, 6 ચોરી-લૂંટ-સ્નેચિંગ, 24 અપહરણ-મિસિંગ, 9 જાહેરનામાં તેમજ કોવિડના જાહેરનામાં, 53 ટ્રાફિકના, 10 વિવીઆઈપી મેનેજમેન્ટના,9 પોસ્ટ ઇનસીડન્ટ ઇન્વે, 7 ફેસ્ટિવલ, 2 ઓકેશન, 26 અન્ય સહિત કુલ 157 ગુન્હાના ભેદ ઉકેલાયા છે.

(11:06 pm IST)