સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th June 2021

ઘર છોડી નાસેલી વઢવાણની બે યુવતિ જૂનાગઢના રિક્ષા ચાલક થકી પોલીસે ફરી પરિવારને સોંપી

વઢવાણ,તા.૨૬: સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ આંબાવાડી વિસ્તારમાં ડી માર્ટ ની પાછળ રહેતા અને છૂટક મજૂરી કરતા અરજદાર ભીખાભાઈ ઇરમાભાઈ પરમાર દેવીપૂજકની દીકરી રેખાબેન તથા તેના નાનાભાઈ બીજલભાઈની દીકરી ભત્રીજી સવિબેન, જે બંને દીકરીઓ ઘરેથી રોકડ રકમ રૂ. ૧૦,૦૦૦/- લઈને દુકાને જઈને આવીએ, એવું કહીને ગયા બાદ, કોઈને કહયા વગર નીકળી ગયેલ હતા

સુરેન્દ્રનગર સીટી પીએસઆઇ એસ.બી.સોલંકીને આ બને છોકરીઓ જૂનાગઢ મજેવડી ગેઇટ પાસે મહાસાગર ટ્રાવેલની ઓફીસ પાસે હોવાની માહિતી મળતા, તેઓએ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જાણ કરતા,   બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ, હે.કો. હમીરભાઈ, પરેશભાઈ પો.કો. કેતનભાઈ, રદ્યુવીરભાઈ, ડ્રાઈવર મોહસીનભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક મજેવડી વિસ્તારમાં મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસ પાસેથી જે રિક્ષા વાળાના નંબરમાંથી ફોન કર્યો હતો, તે રિક્ષાવાળા રાજુભાઈ સાથે સંકલન કરી, બંને દીકરીઓને પોલીસ સ્ટેશન લાવી, તેના કુટુંબીજનોના મોબાઈલ નંબર આધારે તેના પિતા તથા સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર પોલીસ સાથે સંપર્ક કરવામાં આવતા, તેના પરિવારજનો તથા સુરેન્દ્રનગર પોલીસ સુરેન્દ્રનગરથી નીકળી જૂનાગઢ આવેલ અને ર્ંજૂનાગઢ પોલીસને મળી આવેલ બંને યુવતીઓનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ યુવતીઓ હેમખેમ મળતા, પરિવારજનો દીકરીઓને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર માનેલ હતો.

બને દીકરીઓ જૂનાગઢ આવ્યા બાદ રાજુભાઈની રિક્ષામા બેસી, ભવનાથ જવાનું કહી, રસ્તામાંથી રાજુભાઇના મોબાઇલમાંથી વઢવાણ તેમના કુટુંબીજનો સાથે વાત કરતા, રિક્ષા ચાલક રાજુભાઈને શંકા જતા ફરીથી તેના કુટુંબીજનો સાથે વાત કરતા, બને દીકરીઓ ઘર છોડીને આવી હોવાનું જાણવા મળતા, પોલીસ સાથે સંકલન કરી, સમયસૂચકતા વાપરી, પોલીસ આવે ત્યાં સુધી બંને દીકરીઓને સમજાવી, જૂનાગઢ પોલીસને સોપાવવામાં મદદ કરેલ હોઈ, રાજુભાઇ રિક્ષા ચાલકને પણ જૂનાગઢ પોલીસ દ્વારા કચેરી ખાતે બોલાવી, તેઓની પ્રમાણિકતાની સરાહના કરી, કદર કરવામાં આવી હતી.

(11:52 am IST)