સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

રિચાર્જ બેલેન્સની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરનાર હરિયાણાનો અબ્દુલ રાયન ઝડપાયોઃ જુનાગઢ એસઓજીને સફળતા

જુનાગઢ તા. ર૬: રીચાર્જ બેલેન્સની લાલચ આપી લોકો સાથે ફ્રોડ કરતા હરિયાણા શખ્સની જૂનાગઢ એસઓજીએ ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.

જૂનાગઢના જીતેશ દયારામ ભણશાળી વગેરે વ્યકિતઓ સાથે રૂ. ૬ લાખથી વધુની રકમનો ઓનલાઇન ફ્રોડ થયાની સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. રીચાર્જ બેલેન્સ મેળવવાની લાલચમાં આ લોકોએ નાણા ગુમાવ્યા હતા.

ઓનલાઇન ફ્રોડના બનાવો ઉકેલવા આઇજીપી સુભાષ ત્રીવેદી અને એસ.પી. સૌરભસિંઘે સુચના જારી કરતા એસઓજીના પીઆઇ જે. એમ. વાળા અને નેકનીકલ સેલના પીએસઆઇ એમ. જે. કોડીયાતરની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી.

ઓનલાઇન ફ્રોડ અંગે મળેલી માહિતીના આધારે પીએસઆઇ વાઢેરને હરિયાણા મોકલવામાં આવેલ અને હરિયાણાના ફરીદાબાદ ખાતેથી અબ્દુલ અહેમદ રાયનની ધરપકડ કરી હતી.

આ શખ્સે પુછપરછમાં પોતાની વેબસાઇટ બનાવી રીચાર્જ બેલેન્સ અંગેના ગ્રાહકો ઉભા કરી જેનું રીચાર્જ અંગેનું બેલેન્સ વધારે પડતું થાય ત્યારે વેબસાઇટ બંધ કરી આ બેલેન્સ પડાવી લેવામાં આવતું હતું અને બાદમાં બીજી નવી વેબસાઇટ બનાવી ગ્રાહકો સાથે છેતરપીંડી આચરતો હતો.

અત્યાર સુધીમાં હરિયાણાના આ શખ્સે જૂનાગઢ ઉપરાંત રાજકોટ, પોરબંદર અને અન્ય રાજયોના ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી હોવાનું પુછપરછમાં ખુલ્યું છે.

આ કામગીરીમાં એસઓજીના અસરફભાઇ, રઘુવીરસિંહ, મહેન્દ્રભાઇ કુવાડીયા, પુંજાભાઇ ભારાઇ, રાજેશ ઉપાધ્યાય એચ. કે. પીઠીયા વગેરે રોકાયા હતા.

(3:33 pm IST)