સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

જુનાગઢમાં ચિચિયારી કરતા યુવાનો સચિવ મહેશ જોશીના એક જ પ્રશ્નથી ચૂપ થઈ ગયા!!: નરસિંહ મહેતા યુનિવર્સિટીના યુવાનોને પૂછ્યું કેટલા યુવાનોને 'વૈષ્ણવ જન તો તેને કહીએ કંઠસ્થ છે?'

મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમમાં યુવાનોને મળ્યા બંધારણ,૫૦ ટકા મહિલા અનામત, લોકશાહી અને સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી પ્રણાલીના અનેરા પાઠ..: સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવા આપી ટીપ્સ

જૂનાગઢ, તા.૨૬: જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ઓડિટોરિયમ ખાતેઙ્ગ જૂનાગઢ મહાનગર પાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે યુવા મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમ યુવાનો માટે જ્ઞાનનો ખજાનો બની ગયો હતો. આ કાર્યક્રમમાં યુવાનોને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઇવીએમ માં કઈ રીતે મતદાન કરવું તેની ટેકનીકલ માહિતી તો મળી જ પરંતુ ભારતનું બંધારણ, સંસદીય લોકશાહી પ્રણાલી તેમજ રાજય ચૂંટણી આયોગ અને ભારતનું ચૂંટણી પંચ વચ્ચેનો મુળભૂત તફાવત- કાર્યક્ષેત્ર અને રોજનું દસ કલાક કામ કરવાથી કઈ રીતે  દેશ અને જીવન બદલાઈ શકે તેની અગત્યની માહિતી ચૂંટણી આયોગના સચિવ શ્રી મહેશ જોષીએ આપી હતી.

જોશ અને ઉત્સાહમાં કાર્યક્રમના પ્રારંભે ચિચિયારી કરતા યુવાનો સચિવ શ્રી મહેશ જોશીના એક પ્રશ્નથી ચૂપ થઈ ગયા હતા. નૈતિક ફરજોથી માહિતીગાર થયા હતા.

સચિવ શ્રી મહેશ જોષીએ  યુવા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે કહો કે આ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેટલા વિદ્યાર્થીઓને ગાંધીજી પ્રાર્થનામાં જે સાંભળતા હતા તે જૂનાગઢના નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ કેટલાને આવડે છે? આ પ્રશ્નનો જવાબ આપવા કોઇની તૈયારી ન હતી. પરંતુ યુવાનોએ આ શિસ્ત કેળવવા સંકલ્પ લીધો હતો.

સચિવશ્રી એ ભારતનું બંધારણ, ભારતીય સંસદીય લોકશાહી પ્રણાલી, વિવિધ પ્રોવિઝન, ૧૯૯૨-૯૩ના સ્વરાજય સંસ્થાઓ અંગેના સુધારા, મતાધિકાર, રાજય ચૂંટણી આયોગ અને અને  ભારતનું ચૂંટણીપંચ વચ્ચેનો તફાવત, બન્નેના કાર્યક્ષેત્ર, બંધારણે આપેલા અધિકારીઓ, ખૂબ જ સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવી ને અંતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કઈ રીતે મતદાન કરશો? તે અંગેની ઇવીએમ, તેનું બટન દબાવવા પછીનું રજિસ્ટ્રેશન, તેનો કલર, નોટા અને મતદારયાદીમાં નામ હોવાની તકેદારી વિવિધ મુદ્દે ખૂબ જ ઝીણવટ ભરી માહિતી આપી હતી. યુવાનો સ્નાતક થાય ત્યારે તેમને કમસેકમ બંધારણનું આમુક જે બહું ટૂંકુ  અને બંધારણનો હાર્દ છે તે પણ આવડવું જોઇએ તેમ કહયું હતુ.

તેઓએ વધુંમાં ચુંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદના માર્ગદર્શન હેઠળ યુવા પેઢીને સ્વરાજય સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલાઓને પ્રતિનિધિત્વ તેમજ મતદાર જાગૃતિ અંગે આયોગ હેઠળ ચાલતા અભિયાન અને પ્રશિક્ષણના સંદર્ભમાં કહયું કે જૂનાગઢ મહાનગર પાલિકામાં પ્રથમ વખત ૫૦ ટકા મહિલા પ્રતિનિધિત્વની ઉમેદવારી સાથે ચુંટણી થઇ રહી છે. શિક્ષિત મહિલા સહિત તમામ મહિલાઓને સમાજ સેવા કરવાની તક મળી રહી છે. તેનાથી સૌ અવગત થાય થાય તે જરૂરી છે,તેમ કહયું હતુ

આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ સમજણ ખૂબ જ રસપ્રદ રીતે મેળવી હતી. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી કેવી રીતે માહિતી મેળવી શકાય અને દસથી બાર કલાક મહેનત કરવાથી જીવન કઈ રીતે બદલી શકે તેની પણ ટિપ્સ આપી હતી. આ કાર્યક્રમ માત્ર કાર્યક્રમ ન બની રહેતા વિદ્યાર્થીઓએ કંઈક જ્ઞાનનું ભાથું મેળવ્યાની પ્રતીતિ કરી હતી.

(1:14 pm IST)