સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

કોડીનાર નાગરીક સહકારી બેંકની ૬૮મી સાધારણ સભા મળીઃ રૂ. ૧૩૧.૪૭ લાખનો નફો કર્યો

બેંક એટીએમ સુવિધા ચાલુ કરશેઃ પ્રથમ વર્ષે ચાર્જ લેવાશે નહિઃ દાગીના ધીરાણમાં ૧ ટકો વ્યાજ ઘટાડાની જાહેરાત

કોડીનાર તા. ર૬ :.. કોડીનાર નાગરીક સહકારી બેંકની ૬૮ મી સાધારણ સભા આજે બ્રહ્મપુરીનાં હોલમાં બેંકનાં ચેરમેન અમૃતલાલ જાનીનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. સાધારણ સભામાં બેંકનાં મેનેજર બિપીનભાઇ જાનીએ તમામને આવકારી બેંકનાં સભાસદો-ડીરેકટરો - કર્મચારી ગણનાં અવસાન પામેલા સ્વજનો માટે ર મીનીટનું મૌન પાળી સભાની કાર્યવાહી શરૂ કરી ચેરમેન અમૃતલાલ જાનીનું નિવેદન એકાઉન્ટર સુરેશભાઇએ વાંચી સંભળાવ્યું હતું. જેમાં કોડીનાર નાગરીક સહકારી બેંકે સન ૧૮-૧૯ નાં નાણાંકીય વર્ષમાં ૧૩૧.૪૭ લાખનો નફો કર્યો છે તેમજ બેંકનું ગત વર્ષેનું ધિરાણ ૪૩૬૪.૧૪ લાખ હતું જેમાં ચાલુ વર્ષે ધિરાણ પ૦૮પ.પ૦ લાખનું થતા અને ધિરાણમાં વધારીનો યશ ગ્રાહકોને આપવામાં આવ્યુ હતું. તેમજ બેંકમાં ગત વર્ષની થાપણો રૂ. ૮૮૭૧.પ૪ લાખ જમા હતા. જેમાં ચાલુ વર્ષ દરમિયાન સતત વધારો થતાં વર્ષાન્તે કુલ ૯પ૭૮.૦પ લાખની થાપણો જમા રહી હોય જે બેંક ઉપર લોકોનો વિશ્વાસ દર્શાવે છે.

કોડીનાર નાગરીક સહકારી બેંકમાં મુકવામાં આવતી થાપણો રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની ડીપોઝીટ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ સુરક્ષીત હોવા ઉપરાંત વિમાની રકમ એડવાન્સ  માં ભરી આપવામાં આવે છે. જેથી બેંકનાં થાપણદારોની રૂ. એક લાખ સુધી વિમા કવચથી સુરક્ષીત છે. કોડીનાર નાગરીક બેંકે વિપરીત પરિસ્થિતીમાં પણ સતત ઉલ્લેખનીય પ્રગતિ સાધી છે, બેંકની પ્રગતિમાં સભાસદ ભાઇ-બહેનો ચેમ્બર્સ ઓફ કોમર્સ, અન્ય સ્થાનીક સંસ્થાનું મહત્વનું ફાળો હોવાનું ચેરમેન અમૃતલાલ જાનીએ નિવેદનમાં જણાવી તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.

આ તકે બેંકનાં મેનેજર બિપીનભાઇ જાનીએ બેંક દ્વારા ટૂંક સમયમાં જ એ. ટી. એમ. ની સુવિધા શરૂ કરવાની અને પ્રથમ વર્ષે કોઇપણ પ્રકારનાં ચાર્જ વગર ગ્રાહકોને  એટીએમ સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. તેમજ દાગીના ધિરાણમાં ૧ ટકા વ્યાજનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

આ તકે કોડીનાર નાગરીક બેંકના તાલાળા શાખાનાં સલાહકાર સમિતિનાં ચેરમેન યોગેશભાઇ ઉનડકટે બેંકની તાલાળા શાખા પણ ટૂંકા સમયમાં જ નફો કરતી થઇ ગઇ હોવાનું જણાવ્યું છે.

કોડીનાર નાગરીક સહકારી બેંકની ૬૮ મી સાધારણ સભામાં ચેરમેન અમૃતલાલ જાની, વા. ચેરમેન હરીભાઇ વિઠલાણી સહિત તમામ ડીરેકટરો - સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

(11:34 am IST)