સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

કચ્છના નખત્રાણા તાલુકાના આમારા ગામમાં સાંબેલાધારે ૬ ઇંચ

ભારે બફારા વચ્ચે કચ્છના લખપત, નખત્રાણા, ખાવડા, મુન્દ્રા, માંડવી અને રાપરના ગામડાઓમાં કયાંક ધીમો તો કયાંક ધોધમાર વરસાદઃ પાંચ તાલુકાઓમાં મેઘ મહેર, વિગોડીમાં ૪ ઇંચ, નાગવીરી, મંગવાણામાં ૨ ઇંચ, લાખાપર, ખાવડા, કાળો ડુંગર, રાપરમાં દોઢ ઇંચ

ભુજ, તા.૨૬: છેલ્લા બે દિવસ થયા સખત ગરમી અને બફારા વચ્ચે ગઈકાલે કચ્છના પાંચ તાલુકાઓમાં મેદ્યરાજાએ મહેર કરી હતી. જોકે, નખત્રાણા અને રાપરમાં સતત બીજે દિવસે પણ વરસાદ પડ્યો હતો. દુષ્કાળ અને અછતનો સામનો કરતા કચ્છ જિલામાં મેદ્ય મહેરને કારણે ધરતીપુત્રો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જોકે, કેટલાક વિસ્તારોમાં વરસાદ ધીમો હતો તો કેટલીક જગ્યાએ વરસાદ ધોધમાર હતો. લખપત અને નખત્રાણા તાલુકા વચ્ચે આમારા ગામે સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો એક સાથે ૬ ઇંચ વરસાદ માત્ર આમારા ગામે પડી ગયો હતો. તો, રવાપર, નાગવીરી વગેરે ગામોમાં ૨ ઇંચ પાણી પડ્યું હતું. એકંદરે નખત્રાણા લખપત તાલુકાઓના મોટા ભાગના ગામોમાં કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર વરસાદ સાથે મેદ્યરાજાએ હાજરી પુરાવીને ત્યાંથી તેને અડીને આવેલા રણકાંધીના ગામો હાજીપીર, ખાવડા, કાળો ડુંગર વિસ્તારમાં વરસ્યા હતા. નખત્રાણા તાલુકાના વિગોડી ગામે ૪ ઇંચ તો ખાવડા કાળો ડુંગર પંથકમાં ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. મેદ્યસવારી ત્યાંથી પૂર્વ કચ્છના રણકાંધીને અડીને આવેલા ગામો ખડીર, ગેડી અને રાપર સુધી પહોંચી હતી. અહીં સરેરાશ દોઢ થી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. તો મુન્દ્રા અને માંડવી વિસ્તારના કાંઠાળ પટ્ટીના ગામોમાં પણ એક થી દોઢ ઇંચ વરસાદ સાથે મેદ્યરાજાએ પોતાની હાજરી નોંધાવી હતી. મુન્દ્રાના લાખાપર, પત્રી પંથકમાં દોઢ ઇંચ જયારે માંડવીના ગઢશીશા, દેવપર પંથકમાં એક ઇંચ વરસદ નોધાયો હતો.

એકંદરે કચ્છના ૧૦ તાલુકાઓ પૈકી ૫ તાલુકાઓમાં વરસાદે હાજરી નોંધાવી છે. જોકે, હજી બફારો અને ગરમી યથાવત છે. સતત દુષ્કાળનો સામનો કરી રહેલ કચ્છ જિલ્લો મેઘરાજાની મહેર ઝંખે છે.

(11:26 am IST)