સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th June 2018

જામજોધપુર પોલીસ ઉપર હૂમલો કરી બુટલેગરને છોડાવી લીધાની ઘટના બાદ રાણપર ગામે વધુ સવા ત્રણ લાખનો દારૂ કબ્જેઃ સતત કોમ્બીંગ ચાલુ

જાજોરી ગામે ધાર્મિક મેળામાં બનેલી ઘટના અંગે પ૦ થી વધુના ટોળા સામે ભાણવડ પોલીસમાં ગૂન્હો દાખલ

રાણપરામાંથી નામચીન બુટલેટરોએ સંતાડેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતું એલસીબી

ખંભાળીયા-ભાણવડ તા. ર૬ :.. ઇંગ્લીશ દારૂનું પીઠુ બની ગયેલા ભાણવડ તાલુકાના રાણપરમાંથી જીલ્લા એલસીબી પોલીસે દરોડો પાડીને ૮ર૯ નંગ ઇગ્લીશ દારૂની બોટલ ઝડપી પાડી છે.

વિગત મુજબ તાજેતરના જ જોજરી મેળામાં જામજોધપુર પોલીસની ટીમ પર કરવામાં આવેલા જીવલેણ હૂમલાના આરોપીઓને ઝડપી પાડવા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના અને આદેશના પગલે જીલ્લા એલસીબીના પીઆઇ એલ.ડી.ઓડેદરા તથા પીએસઆઇ એ.એસ.કડછા અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. મસરી ભાઇને હકિકત મળી હતી કે, રાણપરના નામચીન બુટલેગરો અરજણ આલા અને બધા ભોરા શામળાએ ભાગીદારી કરી મોટા પ્રમાણમાં ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને બસ સ્ટેન્ડ પાસે આવેલા પડતર પાણીના ટાંકામાં છૂપાવેલો છે આ આધારે રેઇડ કરતા ટાંકામાં  છૂપાવવામાં આવેલા ઇગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની બોટલનો જથ્થો નંગ -૮ર૯ કિં. રૂ. ૩,૩૧,૬૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો જે અંગે ભાણવડ પોલીસમાં  ગુન્હો નોંધાવી બન્ને ફરારી આરોપીઓને ઝડપી પાડવા ચારે ચક્રો ગતિમાન કરેલ છે.

દારૂ ઝડપવાની આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ એલ.ડી. ઓડેદરા, પીએસઆઇ એ. એસ. કડછા, એએસઆઇ ભરતસિંહ જાડેજા, હબીબભાઇ મલેક, અરવિંદભાઇ નકુમ, હેડ કોન્સ. મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, અશોકભાઇ સુવાણી, પો. કોન્સ. કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, હસમુખભાઇ કટારા, ડ્રા. હેડ કોન્સ. નરસીભાઇ સોનગરા તથા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા જોડાયા હતાં.

પોલીસ પાર્ટી પર હુમલામાં  નામચીન બુટલેગરો સામેલ

દરમિયાન તાજેતરમાં જ ભાણવડ તાલુકાના કલ્યાણપુર પાસેના જોજરીમાં ભરાયેલા ધાર્મિક મેળામાં આવેલા ફરારી બુટલેગરને ઝડપવા ગયેલી જામજોધપુરની પોલીસ ટુકડી ઉપર ટોળા દ્વારા થયેલા હિચકારા હુમલા બાદ ભાણવડ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર થઇ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનના પો.કોન્સ. દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજાની ફરીયાદને પગલે ભાણવડના રાણપરાના રહેવાસી નામચીન બુટલેગરો અરજણ આલા કોડીયાતર ઉપરાંત પોપટ આલા કોડીયાતર, બઘા ભોરા શામળા, ભીમા જગા કોડીયાતર, વેજા ભોરા શામળા, કરમણ જગા કોડીયાતર, લાખા રામા કોડીયાતર ઉપરાંત પાછતરડીના રહેવાસી ભીમા પરબત કોડીયાતર તથા ભાયા માયા મોરી, હકા હમીર મુસાળ, કેશુ નાથા શામળા, ગોગન દેવશી મુસાળ, ભીખુ ભુરા અને દાસા સોમા સહિતના ૫૦ થી વધુના ટોળા સામે ભાણવડ પોલીસમાં આઇપીસી કલમ ૩૦૭, ૩૩૨, ૨૨૪, ૨૨૫, ૩૫૩, ૧૮૬, ૧૪૩, ૧૪૬ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ-૩,૬ મુજબ ગુન્હો નોંધી સધન કાર્યવાહી હાથ ધરેલ છે. અને ભાણવડ પીએસઆઇ પી.એ. જાડેજા તપાસ ચલાવી રહયા છે.

ઘટના મુજબ ગત શનિવારના રોજ ભીમ અગિયારસના પર્વે ભાણવડ તાલુકાના કલ્યાણપુર નજીક જોજરી મંદિરે રબારી સમાજની ધાર્મિક વિધી માટે મેળો યોજાય છે અને આ મેળામાં ભાણવડ-જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના અનેક ગુન્હાઓમાં નાસતા ફરતા બુટલેગર અરજણ આલા કોડીયાતર હોવાની બાતમીના પગલે જામજોધપુર પોલીસે રેડ કરી અને બુટલેગરને ઝડપી પાડયો હતો ત્યારે ઝડપાઇ ગયેલા આરોપી અને ફરીયાદમાં જણાવેલા આરોપીઓએ એકસંપ કરી તેમની ગાડી વડે પોલીસ સ્ટાફને કચડી નાખી મારી નાખવાની કોશિષ કરી હતી તેમજ આ ટોળાએ સામુહિક હુમલો કરી કાયદેસર ધરપકડ કરાયેલા આરોપીને છોડાવી પોલીસની ફરજમાં રૂકાવટ કરી પથ્થરમારાથી પોલીસ કર્મીને ઘાયલ કરવા તેમજ સરકારી વાહનને નુકશાન પહોંચાડવામાં આવેલ.

આમ, આ હુમલામાં ભાણવડ તાલુકાના રાણપર ગામના નામચીન બુટલેગરો કે જેની વિરૂધ્ધમાં દારૂ અંગેના અનેક કેસો નોંધાઇ ચુકયા છે તેઓ પણ સામેલ હોઇ પોલીસનું રાણપરમાં સતત કોમ્બિંગ ચાલુ જ છે જેમાં કેટલાક બુટલેગરો રાજકિય પાર્ટી સાથે સંકળાયેલા છે અને વારંવાર પોલીસના હાથમાંથી આબાદ છટકી ગયેલ છે ત્યારે હવે જોવાનું રહયું કે, આ ઘટના બાદ શું થાય છે. (પ-૧૬)

 

(11:40 am IST)