સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th May 2023

ધો. ૧૦માં ધાર્યા માર્કસ નહીં આવતા ભુજના વિદ્યાર્થીએ જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : પરીક્ષામાં ધાર્યું પરિણામ ન આવતાં હતાશ થતાં વિદ્યાર્થીઓએ એ સમજવાની જરૂરત છે કે પરીક્ષા કરતાં જિંદગી વધુ કિંમતી છે. ફરીવાર પરીક્ષા આપી શકાય છે અને કદાચ ઓછું ભણેલા જોઈએ તો મનગમતું અન્‍ય કામ શોધી અને ખંત પૂર્વક તેમાં આગળ વધીએ તો સફળતા મળી શકે છે. પરંતુ ધાર્યું પરિણામ ન આવે તો જીવ આપી દેવો એ કોઈ પણ કાળે યોગ્‍ય નથી.

ભુજમાં ધો. ૧૦ ના પરિણામ દરમ્‍યાન ધાર્યા માર્કસ નહીં આવતાં હર્ષિત દિનેશ ધુવા નામના સગીર છાત્ર એ પોતાનો જીવ દઈ દીધો હતો. શહેરના જૂની રાવલવાડી વિસ્‍તારમાં રહેતાં હર્ષિતએ સવારે પોતાને ઘેર ઓનલાઈન પરિણામ જોયા બાદ નિરાશ થઈને રૂમ બંધ કરી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આર્થિક સંપન્ન પરિવારની હોનહાર પુત્ર હર્ષિત પાસ થઈ ગયો હતો પણ, માર્કસ ઓછા આવ્‍યા હોઈ એ નિરાશ થયો હતો. આ બનાવે લોકોમાં અરેરાટી સર્જી છે.

(10:14 am IST)