સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

ધ્રાંગધ્રામાં લૂ થી ગ્રામરક્ષક જવાન અને બાળકનું મોત

ગરમીએ ઝાલાવાડમાં હાહાકાર મચાવ્યોઃ રણ વિસ્તારના કારણે ગરમીમાં સતત વધારો

વઢવાણ, તા. ર૬ :. સુરેન્દ્રનગર જીલ્લામાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. કાલે ધ્રાંગધ્રામાં 'લૂ' લાગવાથી ર વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

સમગ્ર રાજ્યમાં જયારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકામા બે અલગ અલગ બનાવમાં એક સાત વર્ષના બાળક તેમજ એક ગ્રામ રક્ષક દળના જવાનનું મોત નિપજવાની ઘટના બહાર આવેલ છે.

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે રહેતા અને ખેત મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાયમલભાઈ આદિવાસીના સાત વર્ષના પુત્ર રાહુલને ગરમીમાં ચક્કર આવતા બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ બેભાન હાલતમાં રાહુલનું મોત નિપજતા ફરજ પરના ડોકટરે રાહુલને મૃત જાહેર કરેલ હતો. જે અંગેની જાણ રાહુલના માતા સુરંગીબેને પોલીસને કરેલ હતી.

જયારે બીજા બનાવમાં ધ્રાંગધ્રાના રામગય ગામે રહેતા અને જી.આર.ડી. (ગ્રામ્યરક્ષક) દળના જવાન દિપકભાઇ જગજીવન ભાઇ છાસીયા લગ્નપ્રસંગે મેથાણ ગામે ગયા હતા.

જે દરમ્યાન રાત્રીના લગ્ન સમયે લુ લાગતા સારવાર માટે લઇ જવાયા હતા જયા રાત્રીના મોત નિપજેલ હતું.

ગામના રહેવાસી વાલજી ભાઇ પુંજાભાઇ તાલુકા પાલીસ મથકે જાણ કરી આપી ફરીયાદ નોંધાવેલ આમ ધ્રાંગધ્રામાં સપ્તાહમાં ત્રણના મોત અને સુરેન્દ્રનગર જિલ્લામા ગરમીમાં સપ્તાહમાં છના મોત નિપજયા ની ઘટના બનવા પામેલ છે.(૨.૧૩)

(12:41 pm IST)