સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

રાજકોટની લાખોની લૂંટ ઉપરાંત ચોટીલા, થાન, યુપીના ખંડણી, ગોળીબાર સહિતના ગુન્હાનો આરોપી વિજય કાઠીની સાયલામાં ધરપકડ

સરકારના પ્રોજેકટ 'પોકેટ કોપ' દ્વારા સુરેન્દ્રનગર પોલીસને આરોપીની મળેલી માહિતી

વઢવાણ તા. ૨૬ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પોકેટ કોપ પ્રોજેકટ શરૂ કરી, આ પ્રોજેકટ અન્વયે ડેટા કનેકિટવિટી સાથે થાણા અમલદાર, ઈન્વેસ્ટિગેશનનું કામ કરતા પોલીસ અધિકારી, પીસીઆર વાનના ઇન્ચાર્જ અધિકારી, પાસપોર્ટ નું કામ કરતા પોલીસ અધિકારી, સહિતના ૪૯૦૦ કર્મચારીઓને ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફને સ્માર્ટ મોબાઈલ ફોન આપવામાં આવેલ છે.

ગુજરાત સરકારના આ પોકેટ કોપ અભિયાન અંતર્ગત આ પોકેટ એપ્લિકેશનમાં ખાસ કરીને જુદાજુદા ગુનામાં પકડાયેલા આરોપીઓની ફોટા તેમ જ ગુન્હાની માહિતી સાથે તેમ જ પોલીસ કર્મચારીઓની માહિતી, ઉપરાંત પાસપોર્ટ વેરિફિકેશન, ટ્રાફિકના નિયમો, વિગેરે માહિતી આપવામાં આવેલ છે ગુજરાત માંથી ગુમ થયેલ વ્યકિતઓની માહિતીઓ પણ મળી રહે છે. ગુજરાત સરકાર દ્વારા પોકેટ કોપ પ્રોજેકટ  ઇ ગુજકોપ કાર્યક્રમ અંતર્ગત ગોઠવવામાં આવેલ છે.

ગુજરાત સરકાર દ્વારા પોકેટ કોપ પ્રોજેકટ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનોમાં તથા પોલીસ અધિકારીઓને પણ સ્માર્ટ ફોન જરૂરી એપ્લિકેશન ડાઉનલોડ કરી, આપવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા ગુજરાત સરકાર દ્વારા પોકેટ કોપ પ્રોજેકટ નો વધુમાં વધુ ઉપયોગ કરી, તપાસ કરવા તથા આરોપીઓ અંગેની માહિતી એકત્રિત કરવા સુચનાઓ કરવામાં આવેલ છે.

તાજેતરમાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે ધાડ, ખૂનની કોશિશ સહિતની કલમો સાથે એટ્રોસીટી એકટના ગુન્હામાં વિજય અનાકાભાઈ કરપડા રહે. રામપરડા તા. મૂળી નો આરોપી પકડાયેલ હતો. આ ગુન્હાની તપાસ કરતા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. મહેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા પકડાયેલ આરોપી અંગે પોકેટ કોપ એપ્લિકેશન માં સર્ચ કરવામાં આવતા, આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુન્હાની સંપૂર્ણ વિગતો મળી આવેલ હતી.

પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી વિજય અનકભાઈ કરપડા કાઠી રહેવાસી રામપરડાના વિરુદ્ઘ માં સને ૨૦૧૪ ની સાલથી આજદિન સુધીમાં લૂંટ, ખંડણી, ફાયરિંગ, આંગડિયા લૂટ, વાહન ચોરી, પ્રોહિબીશન, વિગેરેના આશરે આઠ થી દશ ગુનાઓમાં ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી વિરૂધમાં (૧) સને ૨૦૧૪ ની સાલમાં થાન ટાઉન માં ચોટીલા ચોકડી ખાતે રૂપિયા ૨૦ હજારની લૂંટનો ગુન્હો, (૨) ૨૦૧૫ની સાલમાં રાજકોટ શહેરમાં પંચનાથ મંદિર પાસે રૂપિયા ૩૮ લાખની લૂંટનો ગુન્હો,  (૩) રાજકોટની લૂંટમાં વાપરેલ મોટર સાયકલ થાનગઢ ખાતેથી ચોરી કરવાનો ગુન્હો,  (૪) ૨૦૧૫/૧૬ માં થાનગઢ ખાતે સિરામિકના કારખાનું ધરાવતા રામજીભાઈ મારું નામના ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવાનો ગુન્હો,  (૫)  ૨૦૧૭ ની સાલમાં થાનગઢ ખાતે સોસાયટી વિસ્તારમાં રહેતા પરવેઝભાઈ નામના સિરામિકના કારખાના ધરાવતા વેપારીના ઘર ઉપર ફાયરિંગ કરવાનો ગુન્હો, (૬) મુળી પોલીસ સ્ટેશનની હદમાં સડલા ખાતે સગ્રામ ભાઈ રબારી સાથે પોતાના પિતાની અદાવતના કારણે મારામારી કરી ગંભીર ઇજા કરવાનો ગુનો,  (૭) વગડીયા ખાતે મૂળી પોલીસ સ્ટેશનની હદમાં ફાયરિંગ કરવાનો ગુન્હો તેમજ (૮) મુળી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશના ગુંહાઓમાં પકડવામાં આવેલ હતો. આ ઉપરાંત આ આરોપી વિરુદ્ઘ લેવામાં આવેલા પાસા, CrPC ૧૦૭, ૧૦૯, ૧૧૦ મુજબના અટકાયતી પગલાંની માહિતી પણ આંગળીના ટેરવે પોલીસને હાથ લાગી ગયેલ હતી.

આ બધી જ વિગતો પોકેટ કોપ પ્રોજેકટ અંતર્ગત આપવામાં આવેલ સ્માર્ટ ફોનની એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.

આમ, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટનો ઉપયોગ કરવાનું સુરેન્દ્રનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને તેના દ્વારા ત્વરિત માહિતી મળતી હોઇ, ગુન્હાની તપાસમાં તેનો ઉપયોગ પણ કરવાનું શરૂ કરવામાં આવેલ છે. જે પોલીસ તપાસ તથા જાણકારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.(૨૧.૧૪)

(12:37 pm IST)