સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

તરઘડીમાં આહિર યુવાન સાગર ચાવડાનો ઝેર પી આપઘાતઃ ગયા વર્ષે જ લગ્ન થયા'તા

ફોરેસ્ટ વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતો'તોઃ પરિવારમાં અરેરાટીઃ આપઘાતનું કારણ અકળ

રાજકોટ તા. ૨૬: પડધરીના તરઘડીમાં ચોૈકી ધાણી પાછળ વાડી સાથે જ આવેલા મકાનમાં પરિવારજનો સાથે રહેતાં અને ફોેરસ્ટ વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતાં ૨૨ વર્ષના આહિર યુવાને ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગયા વર્ષે જ આ યુવાનના લગ્ન થયા હતાં.

જાણવા મળ્યા મુજબ તરઘડી રહેતાં સાગર વનરાજભાઇ ચાવડા (ઉ.૨૨) નામના યુવાને વાડી નજીક શંકર ભગવાનના મંદિર પાસે ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ગામના લોકો ગઇકાલે સાંજે ચારેક વાગ્યે શંકર મંદિર પાસેથી પસાર થતાં હતાં ત્યારે સાગરનું હોન્ડા ત્યાં જોઇ તપાસ કરવા જતાં તે ઝેર પીધેલી હાલતમાં જોવા મળતાં તેના પરિવારજનોને જાણ કરી તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર સાગર બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજો હતો અને રાજકોટ બહુમાળીમાં આવેલી ફોરેસ્ટ ખાતાની ઓફિસમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરતો હતો. કરૂણતા એ છે કે તેના લગ્ન ગયા વર્ષે જ થયા હતાં. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. અંતિમવિધી મુળ વતન ખંઢેરી ખાતે કરવામાં આવી હતી.

વડાળીના પોપટભાઇ મેર ઝેરી દવા પી ગયા

ત્રંબાના વડાળી ગામે રહેતાં પોપટભાઇ કાનાભાઇ વાંક (મેર) (ઉ.૪૫) સાંજે છએક વાગ્યે ઝેરી દવા પી જતાં રાજકોટ સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ભુલથી દવા પી લીધાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવામહી કરી હતી.

હીનાબેને ઘેનની ગોળી, સોનલબેને કેરોસીન પીધું

રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ અનામીકા પાર્કમાં રહેતાં હીનાબેન કિશોરભાઇ મકવાણા (ઉ.૩૮) ઉંઘની વધુ ગોળી પી જતાં સિવિલમાં ખસેડાયા હતાં. બીજા બનાવમાં રણુજા મંદિર પાસે રહેતાં સોનલબેન અજય નારોલા (ઉ.૨૭) ગોંડલ રોડ પર ઉમિયા મોબાઇલ નજીક કેરોસીન પી જતાં દાખલ કરાયા હતાં. હોસ્પિટલ ચોકી મારફત યુનિવર્સિટી અને માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૬)

 

(12:36 pm IST)