સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

ગોંડલમાં યુવકોને અર્ધનગ્ન કરીને ઢોર માર મારવાની ઘટનામાં ભાજપના નેતા ભુપત ડાભી સહિતના સામે ફરિયાદ

ગોંડલઃ  રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ગુરુવારે લોકોએ બે યુવાનોને નગ્ન કરી, બેરહેમી પુર્વક જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ બંને યુવકો પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ યુવાનોએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલા સ્ટીકરો માંધાતાની પ્રતિમા પર લગાવ્યાં હતા અને કથિત રીતે કોળી સમાજની લાગણી દુભાઇ હતી.

આ યુવાનોને ટોળા જે રીતે માર માર્યો હતો એ જોતા ભલભલા માણસોના રુંવાડા ઉભી થઇ જાય. ગોંડલની આ ઘટનાએ ફરીવાર ગુજરાતમાં ગરીબ અને સામાન્ય માણસમાં ડર બેસાડી દીધો કે, ટોળું તમારો ગમે ત્યારે જીવ લઇ શકે છે. ટોળાને માત્ર શંકાની જ જરૂર છે.

ગુજરાતમાં સામાન્ય માણસની હાલત ગંભીર બનતી જાય છે જ્યાં ટોળાશાહી ગમે ત્યારે લોકોને રહેંસી નાંખે છે. આ અંગે વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું છે જ નહીં.

લોકોએ બેરહેમીથી માર માર્યા બાદ ગોંડલમાં આ બંનેને નગ્ન કરી તેમનું સરઘસ કાઢ્યું હતું. લોકોએ આ બંને યુવાનોની હાલત અંત્યત દયનીય બનાવી દીધી હતા. આખાય ગોંડલમાં આ વાત ફેલાઇ પણ પોલીસ ફરકી પણ નહીં અને આ યુવાનોને ટોળાશાહીથી બચાવ્યા પણ નહીં.

જો કે, ઘટનાની ગંભીરતા વધતા, પાછળથી પોલીસ આ બંને યુવાનોને દવાખાને લઇ ગઇ હતી. મામલો વદારે ચગે એવી સ્થિતિ લાગતા ના છૂટકે ગોંડલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ગોંડલ પોલીસે આઠ લોકો સામે ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં એવુ નોંધ્યુ છે કે, આ યુવાનોએ કોળી સમાજનાં ઇષ્ટદેવ માંધાતાની પ્રતિમા પર ગોંડલ પોલીસ સ્ટેશનના કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ખોટા આક્ષેપ વાળા સ્ટીકરો લગાવતા સમાજની લાગણી દુભાઇ હતી અને આરોપીઓ તેમને માર માર્યો હતો.

(5:26 pm IST)