સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનના અભાવે સદભાવના હોસ્પિટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ

હોસ્પિટલના સંચાલકોએ જિલ્લા કલેકટરને ડેઝીગનેટેડ કોવિડ સેન્ટર બંધ કરવા લેખિત પત્ર પાઠવ્યો

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્રના પાપે શહેરની સદભાવના હોસ્પિટલને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ન મળતા આજે હોસ્પિટલ સંચાલકોએ કોરોનાના ગંભીર દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરી હોસ્પિટલમાં કોરોના ડેઝીગનેટેડ સેન્ટર બંધ કરવા કલેકટરને લેખિત પત્ર પાઠવતા આ ગંભીર કટોકટી જેવી સ્થિતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબી શહેરમાં હાલ કોરોનાની ગંભીર અને વિકટ પરિસ્થિતિ વચ્ચે સદભાવના હોસ્પિટલ દ્વારા છેલ્લા એક વર્ષથી કાર્યરત ડેઝીગનેટેડ કોરોના સેન્ટર બંધ કરવા તૈયારી કરી કલેકટરને લેખિત પત્ર પાઠવતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 37 કોરોના દર્દીઓ માટે જોખમ ઉભું થયું છે, જો કે હોસ્પિટલ સંચાલકો દ્વારા આ ગંભીર દર્દીઓના જીવ બચાવવા હાલ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર માટે અત્યંત શરમજનક કહી શકાય તેવી બાબતોને ઉજાગર કરતા સદભાવના હોસ્પિટલના સંચાલક ડો.જયેશભાઇ પટેલે રોષભેર જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી રાજકોટ કલેકટરે ઓક્સિજન પ્લાન્ટ ઉપર પોતાના માણસો બેસાડી રાજકોટ સિવાય અન્ય હોસ્પિટલ માટે ઓક્સિજન આપવાનું બંધ કરતા મોરબીને ઓક્સિજન મળતો નથી, આ સંજોગોમાં ભુજથી ઓક્સિજન મંગાવવામાં આવ્યો છે પરંતુ 24 કલાક વીત્યા બાદ પણ ત્યાંથી ઓક્સિજનની ગાડી ન આવતા હાલ સદભાવના હોસ્પિટલમાં 24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હાલમાં સદભાવના હોસ્પિટલમાં 37 કોરોના પેશન્ટની સારવાર ચાલી રહી છે જેમાં 22 દર્દી ઓક્સિજન ઉપર છે અને 2 દર્દી વેન્ટિલેટર ઉપર છે. મોરબીમાં કોરોના કાળમાં પહેલું કોરોના સારવાર કેન્દ્ર સદભાવના હોસ્પિટલમાં કાર્યરત કરાયું હતું અને આ એક વર્ષમાં અનેક દર્દીઓને સાજા કરી અવિરતપણે કોરોના કેર સેન્ટર ચલાવવામાં આવ્યું હતું પરંતુ અત્યારની સ્થિતિ જોતા હવે આ તકલીફોમાં હોસ્પિટલમાં કોરોના સેન્ટર બંધ કરવું પડે તેમ હોવાનું તેઓએ અફસોસ સાથે જણાવ્યું હતું.
વધુમાં ડો.જયેશભાઇ પટેલે રોષભેર જણાવ્યું હતું કે ઓક્સિજનની જેમ જિલ્લા વહીવટી તંત્ર રેમેડેસીવીર ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં આપતું નથી અને ડિમાન્ડની સામે માંડ 50 ટકા ઇન્જેક્શન આપતું હોય કોરોનાના ગંભીર દર્દીની સારવારમાં મુશ્કેલી પડી રહી છે.
અંતમાં ડો.જયેશભાઇ પટેલે અફસોસ સાથે જણાવ્યું હતું કે ઓક્સિજન મેળવવા ભિખારીની જેમ અમે કરગરી રહ્યા છીએ અને હોસ્પિટલનો એક માણસ સતત કલેકટર ઓફિસમાં આ બધી રજુઆત માટે આંટાફેરા કરે છે છતાં તંત્ર કોઈ ગંભીરતા લેતું ન હોય આ મામલે ધારાસભ્ય મેરજા અને ગાંધીનગર જાણ કરી સદભાવના હોસ્પિટલ પોતાનું ડેઝીગનેટેડ કોરોના સેન્ટર બંધ કરવા મજબુર હોવાનું અંતમાં જણાવ્યું હતું.

(5:54 pm IST)