સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

કોરોનાના જોખમ વચ્ચે મુન્દ્રાની બિમાર આરોગ્ય સેવા સુધારવા કોંગ્રેસની માંગ : લેબ, ટેસ્ટ કીટ, તબીબી સ્ટાફ, રસીની ઘટ પૂરી કરવા, પીએચસી, સીએચસીમાં ગ્રામ્ય કક્ષાએ સારવાર, ૨૦૦ બેડની નવી હોસ્પિટલ, મુન્દ્રાના સરકારી તબીબોને ભુજ, જામનગરને બદલે ફરી મુન્દ્રા મુકવા માંગ

(વિનોદ ગાલા, ભુજ) સમગ્ર કચ્છની સાથે મુન્દ્રા માં પણ કોરોના ની પરિસ્થિતિ વકરી છે, ત્યારે આજે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના સારવાર સંદર્ભે ઉગ્ર રજૂઆત કરાઈ હતી.  પ્રમુખ ચંદુભા જાડેજાની આગેવાનીમાં મુન્દ્રા તાલુકાની પ્રજાની કોરોના મહામારી દરમ્યાન ઝડપભેર સારવાર થાય તે માટે આરોગ્ય ક્ષેત્રે રહેલી અસુવિધા બાબતના વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરી ઝડપભેર આ અધુરાશો દૂર કરવા જણાવાયું છે. મુન્દ્રા ના પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સમક્ષ કરાયેલી રજૂઆતમાં હાલ કોરોના ની મહામારી વચ્ચે તાલુકાના દર્દીઓની મુન્દ્રા વિસ્તાર માં આવેલ ખાનગી કંપનીઓ ની હોસ્પીટલોમાં કોવીડ સેન્ટર ચાલુ કરી દર્દીઓને સારવાર માટે લાંબે ગાંધીધમ, ભુજ, માંડવી ખસેડવાને બદલે મુન્દ્રા આસપાસ જ સારવાર મળે તે જોવા ઉપરાંત ખાનગી કંપનીઓની એમ્બ્યુલન્સ સેવાઓનો હાલની વિકટ પરિસ્થિતિ માં ઉપયોગ કરી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઉપરનું ભારણ ઘટાડવા રજૂઆત કરાઈ હતી. અત્યારે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો  મોટા કાંડાગરા, ઝરપરા, નાની તુંબડી, વાંકી, ભદ્રેશ્વર માં કોરોના માટે ટેસ્ટિંગ કીટ, રસી ખૂટી છે તેનો સમયસર સ્ટોક પૂરો પાડવા, દર્દીઓને કોવિડની તપાસણી, સ્ટાફની ઘટ પૂરી કરી પ્રાથમિક સારવારની સુવિધાઓ ગ્રામ્યકક્ષાએ ઉભી કરવા તંત્રનું ધ્યાન દોરાયું છે. તો, ભુજપર માં સામુહિક આરોગ્ય કેન્દ્ર માં કોવિડ સારવાર માટે જરૂરી તમામ સગવડો પૂરી કરવા, ટેસ્ટ કીટો અને રસીકરણ માટે પૂરતી રસીઓ પણ આપવામાં આવતી નથી તે વ્યવસ્થા સુધારવા, ઝરપરા કેન્દ્ર માં લેબોરેટરી માટે ટેકનીશીયન પણ નથી તે નિયુક્ત કરવા રજૂઆત કરાઈ હતી.

મુન્દ્રાની સરકારી હોસ્પીટલના મુખ્ય આરોગ્ય અધિકારી ને ભુજ અને બીજા તબીબને જામનગર મુકવામાં આવ્યા છે. તે સંજોગોમાં આવનારા દિવસોમાં આરોગ્ય વિષયક બાબતો પર ખુબ જ ગંભીર અસર પડવાની ભીતિ વ્યક્ત કરાઈ છે, સાથે સાથે તાલુકામાં ૨૦૦ બેડ ની કોવીડ હોસ્પીટલ બનાવવા માં આવે અને તેમાં ખાનગી કંપનીઓ ને પણ  સામેલ કરવા માં આવે એવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. આ રજૂઆત સમયે મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ કેસરિયા, કોંગ્રેસના અગ્રણીઓ મુકેશ ગોર નવીન ફફલ, ગઢવીભાઈ અને નયનાબેન સુરા ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(3:42 pm IST)