સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

જામનગરમાં મહાવીર જયંતિની સાદગીપૂર્વક ઉજવણી

જામનગર : છોટીકાશીથી પ્રસિધ્ધ જામનગર શહેરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે ત્યારે કાલે જૈન સમાજ દ્વારા દેરાસરમાં મહાવીર જયંતિની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં વિરલબાગ પાસે આવેલ મહાવીર સ્વામી જિનાલય ખાતે શ્રી જૈન દર્શન ઉપાસક સંઘ અને જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતીની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દરવર્ષે મહાવીર જન્મજયંતી નિમિતે દેરાસર ખાતે હજારોની સંખ્યામાં ભકતો મહાવીર સ્વામીના દર્શને આવે છે અને દેરાસર ખાતે ભજન કીર્તન જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે પણ હાલ જામનગર માં કોરોના કેસ વધુ પ્રમાણમાં હોવાથી સરકારની ગાઈડલાઇન અનુસાર માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ટેમ્પરેચર માપી ત્યારબાદ જ દર્શનાર્થીઓને દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે આ વર્ષે કોરોના મહામારીના લીધે ભજન કીર્તન જેવા તમામ ધાર્મિક કાર્યક્રમોને વિરામ આપવામાં આવ્યો હતો. માત્ર સરકારની ગાઈડલાઇન અનુસાર ભગવાનના દર્શન જ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:11 pm IST)