સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

વાઘજીભાઇ બોડા 'માસ્તર'ના નામથી ઓળખાતાઃ રાજકીય-સહકારી ક્ષેત્રે અનેરૂ યોગદાન

(ભાવીન સેજપાલ દ્વારા) ટંકારા તા. ર૬ :.. સહકારી અગ્રણી વાઘજીભાઇ બોડાનું શનીવારે અવસાન થતા ઘેરો શોક છવાયો છે. તેઓનું રાજકીય અને સહકારી ક્ષેત્રે અનેરૂ યોગદાન રહ્યુ હતું.

વાઘજીભાઇ બોડાનો જન્મ તા. ૧૪-૧-૩૯ ના રોજ ટંકારાના લખધીરગઢમાં થયો હતો. તેમના પિતાનું નામ રૂગનાથભાઇ અને માતાનું નામ વેલીબેન હતું.

મેટ્રીક પાસ કર્યા બાદ શરૂઆતમાં શિક્ષકની નોકરી સ્વિકારી શ્રી વાઘજીભાઇ 'માસ્તર'ના હુલામણા નામથી ઓળખાયા. જેનું લોહી ખેડુતનું હોય, જેના હૃદયમાં માટીની સુગંધ ભળેલ હોય, જેના સંસ્કારોનું સિંચન મહેનતી મા-બાપે કરેલ હોય અને જેના હાડેહાડમાં ખેડૂતોની સેવાનો અગ્નિ પ્રજવલિત હોય તેને માસ્તરની નોકરીમાં મન કેમ માને ? જેણે જન્મથી ખેડૂતોની અદ્યોગતિ જોઇ છે, ખેતીની અવદશા જોઇ છે, ગામડાની ગરીબાઇ જોઇ છે તને પગવાળીને ખુરશી ઉપર બેસવું કેમ ગમે?

શ્રી વાઘજીભાઇ બોડા ઘણી નાની-મોટી સંસ્થાઓમાં સેવા આપી ચુકેલ છે અથવા આપી રહેલ છે તેમાં રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા નેશનલ કો-ઓપ. યુનિયન ઓફ ઇન્ડીયા ન્યુ દિલ્હીના ડીરેકટર તરીકે ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે અને નેશનલ ઇન્સ્ટીટયુટ કો-ઓપ. મેનેજમેન્ટ (એન. આઇ. સી. એમ.) ગાંધીનગરમાં પણ ડીરેકટર તરીકે ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે. રાજય કક્ષાની સંસ્થાઓમાં ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લી. અમદાવાદ (એપેક્ષ બેંક) અને ગુજરાત રાજય સહકારી સંઘમાં વર્ષો સુધી સેવા આપેલ છે, ગુજરાત સ્ટેટ કો-ઓપ. માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ (ગુજકોમાસોલ) માં ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. જિલ્લા કક્ષાની સંસ્થાઓમાં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ સંઘમાં સને ૧૯૭૦-૭૧ થી ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં સને ૧૯૯ર-૯૩ થી ર૦૦પ સુધી ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલ અને હાલ ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી.માં વર્ષોથી ડીરેકટર પદે છે. તાલુકા કક્ષાની સંસ્થાઓમાં મોરબી તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘમાં સને ૧૯૬૯ થી ડીરેકટર અને અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી જડેશ્વર ઔદ્યોગિક સેવા સહકારી મંડળી-વાંકાનેરમાં સને ૧૯૮૩ થી ર૦૦૩ સુધી ડીરેકટર અને ચેરમેન તરીકે સેવા આપેલ છે. શ્રી લખધીરગઢ જળસિંચન સહકારી મંડળીના સ્થાપક અને હાલમાં તેઓ ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમ રાજકોટ જીલ્લા સહકારી સંઘના એકઝી. ઓફીસર સુરેશ ટી. દેત્રોજાએ જણાવ્યું છે.

(1:08 pm IST)