સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

મોરબીના ઉદ્યોગપતિઓ દર્દીના વહારે : દર્દીઓની સારવાર માટે મંગાવ્યા 'ઇલેકટ્રીક ઓકિસજન મશીન'

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૬ : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્વીટ સિરામિક દ્વારા છ ઈલેકટ્રીક ઓકિસજન મશીન પંજાબથી મંગાવવામાં આવેલ છે અને તમામ જરૂરિયાત મંદ લોકોને ઓકિસજનની જરૂર હોય અને જો તેમની પાસે હાજરમાં મશીન હોય તો આ ઈલેકટ્રીક ઓકિસજન મશીન સારવાર માટે કોઈપણ પ્રકારના ચાર્જ વગર આપવામાં આવે છે.

પીપળી રોડ ઉપર આવેલ સ્વીટ સિરામિક જલ્પેશભાઈ (લાલાભાઇ) મનસુખભાઈ વડસોલા અને તેમના ગ્રુપ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિવારજનોની મુશ્કેલીમાં મદદરૂપ થવા ઈલેકટ્રીક ઓકિસજન મશીન વસાવવામાં આવ્યા છે અને જે કોઈ દર્દીને ઓકસીજનની જરૂરિયાત પડતી હોય અને જો તેઓની પાસે ઓકિસજનના ઈલેકટ્રીક ઓકિસજન મશીન હાજર હોય કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર આપવામાં આવે છે.

જલ્પેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ પહેલાં જયારે કોરોનાની શરૂઆત હતી અને કોરોનાનું સંક્રમણ શરૂઆતના તબક્કામાં હતું ત્યારે તેના કુટુંબી દાદા વડસોલા નરશીભાઈ મોહનભાઈને કોરોના થયો હતો ત્યારે ડોકટર સલાહ આપી હતી કે ઇલેકિટ્રક ઓકિસજન મશીનનો ઉપયોગ કરીને સારવાર આપી શકાય છે અને તેમના દાદા સ્વસ્થ થયા હતા

જેથી આ વખતે કોરોનાની બીજી લેહર આવી ત્યારે તેમના ગ્રૂપ દ્વારા પાંચ ઓકિસજનના ઇલેકટ્રીક મશીન મંગાવવામાં આવેલ છે અને હાલમાં આ છ મશીન તેઓ કોરોનાગ્રસ્ત દર્દી માટે આપતા હોય છે.

આ સેવાનો લાભ લેવા માટે થઇને કોઈપણ વ્યકિત ૯૯૦૪૪ ૮૨૨૨૨ નંબર ઉપર સંપર્ક કરે તો દર્દીની સારવાર માટે આપવામાં આવતા હોય છે.

જલ્પેશભાઈ અપીલ કરી છે જો આ મશીન કિંમત બહુ નથી જો ઉદ્યોગકારો અને સક્ષમ લોકો આ મશીન સેવાના ઉદેશથી વસાવી લે તો ભવિષ્યમાં આ મશીન દર્દીઓ માટે ઘણા ઉપયોગી થશે અને બધા દર્દીઓને ઓકસીજન માટે બહુ હેરાન નહી થવું પડે.

(1:05 pm IST)