સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

જેતપુર ધારેશ્વરમાં સાડીના કારખાનામાં ભાઇના ઝઘડામાં વચ્ચે પડેલા બિહારના અકિલની ધોકો ફટકારી હત્યા

હિન્દીમાં વાત કરી રહેલો જમીલ ગાળો બોલતો હોવાની શંકાએ જીતુએ ઝઘડો શરૂ કર્યો'તો : લગ્ન કરવા છ મહિના પહેલા વતન ગયો'તોઃ ગઇકાલે જ પાછો આવ્યો ને નાના ભાઇ જમીલના ઝઘડાને લીધે જીવ ગુમાવ્યોઃ રાજકોટ સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં વિનાયક સાડી ફિનીશીંગ નામના કારખાનામાં ઘડી-ઇસ્ત્રી કરવાનું કામ કરતાં મુળ બિહારના સૈનપુરના અકિલ મુસ્તાકભાઇ શેખ (ઉ.વ.૩૫)ને નાના ભાઇ જમીલના ઝઘડામાં વચ્ચે પડતાં જીતુ નામના શખ્સે માથામાં ધોકો ફટકારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.

જેતપુર પ્રતિનિધિના અહેવાલ મુજબ ધારેશ્વર સરકિટ હાઉસ વિસ્તારમાં આવેલા કારખાનામાં ઇસ્ત્રી કરવાની મજૂરી કરતાં અકિલ મુસ્તાકભાઇ શેખના ભાઇ જમીલને કારખાનામાં સાથે કામ કરતાં ગુજરાતી મજૂર સાથે ઝઘડો થયો હતો. ગઇકાલે ઝઘડો ચાલુ હતો ત્યારે અકિલ નાના ભાઇ જમીલને છોડાવવા વચ્ચે પડતાં તેના માથામાં ધોકાનો ઘા ફટકારી દેવાયો હતો. ગંભીર ઇજા થતાં તેને જેતપુર, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં બનાવ ખૂનમાં પરિણમતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે જેતપુર પોલીસને જાણ કરી હતી.

રાજકોટના અહેવાલ મુજબ અકિલ પાંચ ભાઇ અને એક બહેનમાં ત્રીજો હતો. તેના છ મહિના પહેલા જ જુહી નામની યુવતિ સાથે લગ્ન થયા હતાં. તે અગાઉ જેતપુરમાં બે ભાઇઓ શકિલ અને જમીલ સાથે કામ કરતો હતો. લગ્ન કરવા માટે તે રજા લઇને વતન ગયો હતો. ત્યાંથી ગઇકાલે રવિવારે સવારે જ તે ફરી કામ કરવા જેતપુર પહોંચ્યો હતો અને હત્યા થઇ હતી.

હત્યાનો ભોગ બનનાર અકિલના ભાઇ જમીલ અને શકીલે કહ્યું હતું કે-જમીલ અને બિહારના બીજા મજૂરો પોતાની ભાષામાં વાતો કરતાં હોઇ જીતુને એમ થયું હતું કે તે હિન્દી ભાષામાં પોતાને ગાળો આપે છે. આ બાબતે જમીલ અને જીતુ વચ્ચે ઝઘડો-બોલાચાલી થયા બાદ જીતુ સહિતનાએ હુમલો કરી મારામારી શરૂ કરી હતી. જેમાં અકિલ બચાવવા માટે વચ્ચે પડતાં તેના માથામાં ધોકો ફટકારી દેવાયો હતો અને તે ઢળી પડ્યો હતો. જેતપુર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)