સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

ગોંડલના બે યુવાનોએ પોઝિટિવ દર્દીને હોસ્પિટલ બાદ અવ્વલ મંજિલે પહોંચાડયો

લોકોનું ટોળું તો બસ ટોળું બનીને જ ઉભું રહ્યું એક સાથે વિકલાંગ યુવાનની દરિયાદિલી દેખાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : કોરોનાને કારણે માનવ જિંદગી ટપોટપ હોમાઈ રહી છે. ઉદ્યોગનગર લાકડાની લાતીમાં શ્રમિક આધેડ કોરોનાને કારણે પાંચ દિવસથી પીડાઈ રહ્યો હોય આડોશી પાડોશીના પેટનું પાણી હલતું ન હોય ભોજરાજપરામાં રહેતા બે યુવાનોના ધ્યાને વાત આવતા દોડી જઈ હાથે ઉપાડી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જયાં તેને મૃત જાહેર કરવામાં આવતા અવ્વલ મંજિલ પહોંચાડવાની વ્યવસ્થા કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી.

ઉદ્યોગનગરમાં આવેલ ગીતા સો મીલની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતુભાઈ ખીમજીભાઈ સેદાણી ઉંમર વર્ષ ૫૦ છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાના કારણે કણસી રહ્યા હોય અને આસપાસમાં કોઈ મદદે આવતું ન હોય ભોજરાજપરામાં જલારામ ખમણ નામે દુકાન ચલાવતા એક હાથે વિકલાંગ રવિ સાદરાણી અને હિરેન વઘાસીયા દર્દથી કણસતા જીતુભાઈની મદદે પહોંચી ગયા હતા અને ત્રણ હાથે કોરોનાથી પીડાતા આધેડને સરકારી હોસ્પિટલે ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઇ રાજયગુરૂની મદદ લઇ અંતિમ સંસ્કાર વિધિ પણ કરી હતી.

ઉપરોકત સેવાભાવી બંને યુવાનોએ જણાવ્યું હતું કે જીતુભાઈ અને તેના ભાઈ ભીખુભાઈ બે ભાઈઓનો પરિવાર જ હતો ગીતા સો મીલની ઓરડીમાં રહી મજુરી કરી જીવન નિર્વાહ કરતા હતા ભાઈની બીમારીથી ભીખુભાઈ પણ ભાંગી પડ્યા હતા કોઈ પાસે આવી માનવ ધર્મ બજાવતા ન હોય આ બંને યુવાનોને મદદ માટે બોલાવ્યા હતા. આ દરમિયાન લોકોનું ટોળું એકઠું થયું હતું પરંતુ ટોળામાંથી કોઈ શ્રમિકની મદદે આવ્યું ન હતું.

(11:37 am IST)