સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

સોમનાથ દરીયા કિનારાના બીચ સુમસામ...

દોડી...દોડી પ્રવાસીઓને કેમલ સ્વારી કરાવતા સાંઢીયાઓ દિવસભર આરામ ભોગવે છેઃ ભીક્ષુકોને ફદીયુંયે મળતંુ નથી, સાંજે ફુટપાથ ઉપર મોબાઇલમાં રામાયણ સીરીયલ જોઇ સમય કાઢે છે

 (મિનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા., ૨૬: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર કોરોના સંક્રમણ સાવચેતી દર્શનાર્થીઓ માટે બંધ થયા પછી સોમનાથ આસપાસની દુકાનો તો દિવસ-રાત બંધ રહે છે. સોમનાથના દરીયા બીચનું આર્કષણ પ્રવાસીઓ-યાત્રીકોમાં હોય છે. જે સંપુર્ણ સુમસામ છે કાળો કાગડો પણ ત્યાં ફરકતો નથી.

વેકેશન-તહેવારો-શનિ-રવિ અને આડા દિવસોમાં દરીયા બીચ ઉપર કેમલ સ્વારીની મોજ લેતા પ્રવાસીઓ જ ન હોય જેથી સાંઢીયા તેના ક્રમ મુજબ બીચ ઉપર તો આવી જાય છે અને આખો દિ' તડકામાં એકલા-એકલા વાગોળી સોશ્યલ ડીસ્ટન્સ સાથે લાંબા-લાંબા અંતરે બેઠા બેઠા આરામ ફરમાવતા આવી પડેલું વેકેશન માણે છે.

ભીક્ષુકો માટેય માઠા દિવસો છે. ગત વરસના લોકડાઉનમાં ભલે મંદિર કે ગામ બંધ હતા છતાં લોકોનો સેવાનો ઉત્સાહ-જુવાળ એટલો બધો હતો કે વેરાવળ-પાટણ અને છેક ગામડેથી લોકો કંઇને કંઇ સોમનાથ મંદિર પાસે બેસતા ભિક્ષુક-સાધુઓને આપી જતા જેને બદલે આ વખતે તો કોઇ ડોકાતું જ નથી. સવાર-સાંજ ભોજનનું તો અન્નક્ષેત્રોમાં થઇ જાય છે. પરંતુ દિવસ કાઢવો ભારે પડે છે.

સંધ્યાકાળે કેટલાક સાધુઓ મોબાઇલમાં રામાનંદ સાગરની રામાયણ તો કેટલાક બીજી ધાર્મીક સીરીયલો પથીકાશ્રમવાળી ફુટપાથ ઉપર બેસી જુવે છે. જેની પાસે મોબાઇલ ન હોય તે જે મોબાઇલ જોતા હોય તેમાં ડોકીયુ કરી લે છે.

આવા સુમસામ વાતાવરણમાં બે કાવાવાળા ઘરાક આવશેજ ની આશામાં થોડા દિ' બેઠા પણ તેને પણ સંકેલો કરી લીધો છે. જેમાના એકે કીધુ કે ઘરમા રહો બાકી માંદા પડશો તો અમે નહી આવીએ તેવી સખ્ત ચેતવણી આપી છે.

વેરાવળ જવાની રીક્ષામાં પણ માંડ ત્રુટક-ત્રુટક પેસેન્જર મળે છે. ભર શિયાળામાં પરસેવો નીતારતા જીમના સાધનો જીમ ગેલેરીમાં જીમ બંધ હોવાથી બીન ઉપયોગી રઝળે છે.

દરીયાઇ ચોપાટીના ચકડોળ બાળકોના કિલ્લો વગર સુના છે તો એક હાથની આંગળીમાં ગરમાગરમ  સેકેલ માંડવીના ઓળા રાખી અંગુઠો દબાવી ફોલી-ફોલી ખાતા સહેલાણીઓ પણ નથી તો સાંજે બીચ ખાલી કરાવવા બે ગાલ ફુલાવી દડા જેવા થઇ જાય ત્યાં સુધી સીસોટી રક્ષકોને બજાવવી પડતી તેને હવે દિવસ શુ કે રાત શું માણસ જ નથી જેથી એકસરખું છે.

(11:33 am IST)