સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

કચ્છમાં સરકારી ચોપડે ૧૬ મોત પણ ૫૬ લાશોના અંતિમ સંસ્કાર : રાપરમાં એક જ પરિવારમાં ૪ મોત

ભુજમાં મુસ્લિમ મહિલાની લાશ બદલી જતાં હોબાળો : મોતનો મલાજો નહી જાળવતા તંત્ર દ્વારા દર્દીઓને દાખલ કરવા માટે બેડના મામલે પણ આંકડાઓનો ખેલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : કચ્છમાં શનિવાર અને રવિવારના બે દિ'માં કોરોનાના આંકડાઓ ધ્રુજાવી દેનારા છે. સરકારી ચોપડે બે દિવસમાં ૩૭૦ પોઝિટિવ દર્દીઓ બતાવાયા છે. જયારે ૧૬ મોત દર્શાવાયા છે. શનિવારે સરકારી ચોપડે ૮ મોત અને રવિવારે ૯ મોત દર્શાવાયા પણ ભુજ સ્મશાનમાં ૨૩ અને સુખપરમાં ૮, જયારે રવિવારે ભુજમાં ૮ અને સુખપરમાં ૧૭ એમ કુલ ૫૬ લાશોના અંતિમ સંસ્કાર કરાયા હતા. રાપરમાં એક જ પરિવારમાં સાસુ, વહુ અને માં, દીકરી સહિત ૪ નો કોરોના એ ભોગ લીધો હતો.

બે દિવસમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૭૦ થઈ છે. જયારે હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યા ૧૬૮૭ છે. જોકે, ભુજની કોવિડ હોસ્પિટલમાં મુસ્લિમ મહિલાની લાશ બદલી ગઈ હોવાનો અને તેમના અંતિમ સંસ્કાર કરાયા હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

જોકે, હજીયે કચ્છમાં હોસ્પિટલમાં ખાલી બેડ અંગે મોટા આંકડા દર્શાવાય છે, પરંતુ દર્દીઓને દાખલ કરવામાં દમ નીકળી જાય છે. બીજી બાજુ રેપિડ કીટ ખૂટી ગઈ છે. આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ ત્રણ અને ચાર દિવસ સુધી મળતાં નથી.

(11:28 am IST)