સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

કચ્છમાં જીવલેણ કોરોના ભરડાને અંકુશમાં લેવા જે.પી. ગુપ્તાને ભુજ દોડાવાયા

દર્દીઓની હૃદયદ્રાવક પરિસ્થિતિ વચ્ચે કલેકટર, ડીડીઓ, ડીએચઓ સહિતના અધિકારીઓના સંકલનના અભાવ : આપસી વિવાદની ચર્ચા અંગે તમામ પત્રકારોનો એકી સૂરે પ્રશ્નોનો મારો : નવા બેડ, રેમડેસિવિર, વેન્ટિલેટર, ઓકિસજનની તંગી થાળે પાડવા જે.પી. ગુપ્તાની કવાયત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : દેશનો અને રાજયનો સીમાવર્તી જિલ્લો કચ્છ કોરોનાની નાગચૂડમાં સપડાયો છે. દર્દીઓની સારવાર અને મોતના મામલે લોકોમાં પ્રવર્તતા ભય વચ્ચે સ્થાનિક તંત્રની કામગીરી સામે સતત સવાલો થઈ રહ્યા છે. ગત અઠવાડિયે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ પત્રકાર પરિષદમાં પત્રકારોએ સ્થાનિકે વહીવટીતંત્રના સંકલનના અભાવ સહિત તબીબી અસુવિધા અંગે સવાલોનો મારો ચલાવ્યા પછી પણ પરિસ્થિતિ ન સુધરતાં અંતે સરકારે સિનિયર આઈએએસ અધિકારી જે.પી. ગુપ્તાને તાત્કાલિક ભુજ દોડાવ્યા છે.

દરમિયાન જે.પી. ગુપ્તાએ ભુજમાં કોરોના સંદર્ભે યોજેલ પત્રકાર પરિષદમાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના કચ્છમાં કાર્યરત તમામ પત્રકારોએ જિલ્લામાં કોરોનાના દર્દીઓની હૃદયદ્રાવક પરિસ્થિતિ અને પરિવારજનોની પીડા વચ્ચે સ્થાનિક તંત્રમાં કલેકટર, ડીડીઓ, ડીએચઓ વચ્ચેના સંકલનના અભાવ, આપસી વિવાદ સહિતના મુદ્દે એકી સુરે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જોકે, જે.પી. ગુપ્તાએ પોતાના અનુભવના આધારે કોરોનાની સારવાર સંદર્ભે લાંબા લાંબા ગોળ ગોળ જવાબો આપી પરિસ્થિતિ સંભાળવા પ્રયાસ કર્યો હતો પણ, મીડિયાના વાસ્તવિક સવાલોના મારા પછી તેઓએ એક તબક્કે મૂંઝાઈ ને પત્રકાર પરિષદ બંધ કરવાનું મુનાસિબ માન્યું હતું. જોકે, પછી સિનિયર પત્રકારોએ સાહેબ, આપ રણ મેદાન છોડી રહ્યા છો એવી ટકોર કરતાં તેમણે ફરી જવાબો આપ્યા હતા.

આ તબક્કે કલેકટર પ્રવિણા ડી.કે. કોરોનાગ્રસ્ત હોઈ ઉપસ્થિત રહ્યા નહોતા પણ એડી. કલેકટર શ્રી ઝાલા, ડે.કલે. મનીષ ગુરવાણી, ડીડીઓ ભવ્ય વર્માએ પણ ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું હતું. જોકે, પત્રકારોએ ડે.કલે. મનીષ ગુરવાણીની કામગીરી સંતોષપ્રદ ગણાવી હતી. પણ, કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા અને ડીએચઓ જનક માઢકના સંકલનના અભાવ, આપસી વિવાદ અને પત્રકારોના ફોન ન ઉપાડતા હોવાની સ્પષ્ટ વાત કરી હતી. પત્રકારોના પ્રશ્નોના મારા વચ્ચે જે.પી. ગુપ્તાએ કચ્છમાં કોરોના સારવાર સંદર્ભે તેમણે કામગીરીનો દોર સાંભળીને કરેલા નવા નિર્ણયો અંગે જાણકારી આપી હતી.

પૂર્વ કચ્છના છેવાડાના રાપર, ભચાઉ તાલુકા ઉપરાંત ગાંધીધામ, અંજારથી રેમડેસિવિર ઈન્જેકશન લેવા ભુજ આવવું પડે છે તેને બદલે ત્યાં વ્યવસ્થા ગોઠવવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલોને જ ઓન લાઈન અરજી કરી રેમડેસિવિર આપવાની પ્રક્રિયા હાથ ધરી ભુજ અને અંજારમાં તંત્ર દ્વારા જાતે હોસ્પિટલમાં જ ડિલિવરી આપવા જણાવ્યું હતું. ઓકિસજન કચ્છમાં જ કાર્યરત પ્લાન્ટ માંથી મળી રહે તેવી વ્યવસ્થા થશે એવું જણાવી રેમડેસિવિર અને ઓકિસજન બાબતે હોસ્પિટલો એ તમામ રેકર્ડ રાખવો પડશે એ તાકીદ કરી હતી. તો, આરટીપીસીઆર રિપોર્ટ માટે નવી લેબ પૂર્વ કચ્છમાં શરૂ થશે એવું જણાવ્યું હતું.

નવા ૨૦૦૦ બેડ અને ૮૦ વેન્ટિલેટર માટે મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત અંગે તેમણે ભુજમાં ૧૫૦ બેડ ની નવી હોસ્પિટલ અંગે માહિતી આપી હતી, અન્ય બેડ અંગે કોઈ પણ માહિતી આપવાનું ટાળ્યું હતું. એ જ રીતે ૮૦ વેન્ટિલેટર કચ્છ આવી ગયા છે એવું જણાવ્યું હતું પણ તે કયાં અને કઈ કઈ હોસ્પિટલોને અપાયા તે અંગે વધુ જાણકારી આપવાનું ટાળ્યું હતું.

જોકે, કચ્છમાં ખાનગી હોસ્પિટલમાં વધુ વસૂલાતા સારવારના રૂપિયા, મા કાર્ડ કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર સહિતના સવાલો પણ જે.પી. ગુપ્તાએ ટાળ્યા હતા. કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે. નો આરટીપીસીઆર રિપોર્ટ મોડો જાહેર થયો પત્રકારોના એ પ્રશ્ન બાદ કલેકટર કોરોના પોઝિટિવ છે એવી જાણકારી શ્રી ગુપ્તાએ આપી હતી.

(10:09 am IST)