સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

કેશોદના તુવેર કાંડમાં બીજા દિવસે પણ પુરવઠા નિગમ દ્વારા તપાસનો ધમધમાટ

એમડી મનીષ ભારદ્વાજ રવાના

જુનાગઢ તા.૨૬: કેશોદના તુવેર કાંડમાં આજે બીજા દિવસે પણ પુરવઠા નિગમે તપાસ જારી રાખી છે અને પોલીસ તપાસ ડીવાયએસપી ગઢવીને સોપવામાં આપી હોવાનું જાણવા મળેલ છે.

કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે પુરવઠા નિગમના તુવેરની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં તુવેરની ખરીદીમાં અને હલકી ગુણવતાની તુવેર ધાબડી દેવાયાનું રૂ.૨૬ લાખનું કૌભાંડ બહાર આવતા સરકારમાં હરકતમાં આવી ગઇ હતી.

તુવેર કૌભાંડના પગલે ગઇકાલે પુરવઠા નિગમના એમ.ડી.અને જુનાગઢ કલેકટરની ફરજ બજાવી ચુકેલા મનીષ ભારદ્વાજ કેશોદ દોડી આવ્યા હતા. તેઓએ કલેકટર ડો.સૌરભ પારઘીએ વગેરે સાથે કેશોદ યાર્ડની મુલાકાત લીધી હતી. તેઓ સમક્ષ કેટલાંક ખેડુતોએ કાંડને લઇ સનસની ખેજ આક્ષેપ કર્યા હતા.આ કૌભાંડ બારામાં ૭ શખ્સો સામે પોલીસ ફરિયાદ છે જેમાં તાત્કાલિક ખરીદી ઇન્ચાર્જ જે.બી.દેસાઇ, ગોડાઉન મેનેજર દેવેન્દ્ર નિરંજન અને ગ્રેડર ફૈજલ મુંગલને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે હાલ આ શખ્સો ફરાર છે.

એમ.ડી.મનીષ ભારદ્વાજ તુવેર કૌભાંડની વિગતો અને તપાસ બાદ સાંજે ગાંધીનગર જવા રવાના થઇ ગયા હતા. પરંતુ તેઓની સુચના મુજબ આજે બીજા દિવસે પુરવઠા નિગમના જનરલ મેનેજર સહિત ત્રણ સભ્યોની ટીમે તુવેર કાંડના મૂળ સુધી પહોંચવા તપાસ  જારી રાખી છે.

દરમ્યાન આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખી એસ.પી.સૌરભસિંઘે પોલીસ તપાસ કેશોદ પી.આઇ.ડી.જે.ઝાલા પાસેથી લઇ કેશોદના ડીવાયએસપી.એ.બી.ગઢવીને સોંપી  છે.

નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગઢવીએ આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારી છે.

(3:47 pm IST)