ઉપલેટાના ઢાંકમાં પ્રેમલગ્ન કરનારની હત્યાનો પ્રયાસઃ પ ની ધરપકડ
ઉપલેટા, તા.૨૬: ૨૦ કિ.મી દુર ઢાંક ગામે આજે ઢાંક મેરવદર રોડ ઉપર સરકારી ગોડાઉન પાસે રવિ ભાભલુંભાઇ બારેચા કાઠી દરબારને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા પાંચની ધરપકડ કરવામાં આવેલ છે.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટા તાલુકાના ઢાંક ગામે રહેતા રવિ ભાભલુંભાઇ બારેચાએ ઢાંક ગામના જ પ્રતાપભાઇ મુળુભાઇ ખીમાણીની દિકરી સાથે થોડા સમય પહેલા પ્રેમલગ્ન કરેલ લગ્ન બાદ રવિને પ્રતાપભાઇ ખુમાણ એ ગામ મુકીને બીજે રહેવા ચાલ્યા જવાનુ કહ્યુ હતુ. બાદમાં રવિ ઢાંક મુકી બીજી જગ્યાએ રહેવા ન જતા રવિ ભાભલુંભાઇ કાઠી ઉપર ઢાંક મેરવદર રોડ ઉપર સરકારી ગોડાઉન પાસે પ્રતાપ મુળુ ખુમાણ, મેરામ મુળુ ખુમાણ, નટુ માત્રા ખુમાણ, અનીરૂધ્ધ પ્રતાપ ખુમાણ, અને પ્રદિપ ભીખુ ડાંગર આમ પાંચે જણાએ મળીને રવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા રવિનું ગંભીર હાલતમાં દવાખાનામાં દાખલ કરવામાં આવેલ છે. આ અંગે રવિએ ઉપરોકત પાંચે આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા ભાયાવદર પી.એસ.આઇ. ધાંધલ એ પાંચે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.