સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

અમરેલી જિલ્લામાં સૂર્યનારાયણનો આકરો મિજાજઃ રોડ ઉપર સન્નાટો છવાયો

અમરેલી તા.૨૬: ગરમીમાં અમરેલી જિલ્લો મોખરે રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૂર્યનારાયણ દેવે આકરો મિજાજ અપનાવ્યો હોય તેમ ભારે તાપ પડી રહ્યો છે ગઇકાલે ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાયા બાદ આજે વહેલી સવારથી ૨૭ ડિગ્રી જેટલુ તાપમાનથી શરૂઆત સૂર્યનારાયણે કરી હોય તેમ બપોર સુધીમાં ૪૪ ડિગ્રી જેટલું નોંધાવવાની શકયતા જાણકારો માની રહ્યા છે ત્યારે સખ્ત તાપથી બચવા લોકો ઘરની બહાર નિકળતા નથી અને બપોરના સમયે રીતસર કફર્યુ જેવો માહોલ રોડ ઉપર જોવા મળી રહ્યો છે. વેપારીઓ દુકાનો બંધ કરી મોડી સાંજના પરત ફરી રહ્યા છે. ઠંડા પીણા આઇસ્ક્રિમ, લીંબુ સરબતના વેપારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે અબોલ પશુજીવ પણ છાંયો શોધી વિશ્રામ લેતા નજરે પડી રહ્યા છે.  ગામડેથી ખરીદી કરવા આવતા લોકો વહેલી સવારે ખરીદી કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આવનારા દિવસોમાં સખ્ત તાપ પડવાની આપેલી આગાહીથી લોકો ગરમીથી બચવા પૂર્વ તેૈયારીઓ  કરી લીધી હોય તેવું દેખાઇ આવે છે. ત્યારે તંત્ર પણ લોકોને સાવચેત રહેવા અમલ કરે તે જરૂરી છે.

(3:15 pm IST)