સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

વાયરલ ઓડિયો ક્લિપના મુદ્દે મંત્રી વાસણ ભાઈ આહીર રાજીનામુ આપે-કચ્છ કોંગ્રેસ :અંજારમાં કોંગ્રેસે આપ્યું આવેદન :રેલીની મંજૂરી નહિ આપ્યાનો કચ્છ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત વિપક્ષી નેતાનો આક્ષેપ

વિનોદ ગાલા દ્વારા ભુજ) રાજયમંત્રી વાસણ ભાઈ આહીરની ઓડિયો ક્લિપનો વિવાદ દિન પ્રતિદિન ઘેરો પડી રહ્યો છે. કચ્છમાં આ મુદ્દે રાજકીય વિરોધ પણ શરૂ થઈ ગયો છે. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા અંજાર મધ્યે મામલતદારને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સમક્ષ નૈતિકતાના મુદ્દે રાજયમંત્રી વાસણભાઇ આહીરના રાજીનામાની માંગણી કરાઈ હતી.

  જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને વિપક્ષીનેતા વી. કે. હૂંબલે અંજાર મામલતદાર એન.સી. રાજગોરને આવેદન પત્ર આપ્યા બાદ મીડીયા સાથે વાત કરી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ નલિયાકાંડ, માંડવીકાંડ અને હવે આ ઓડીયોકલીપ પ્રકરણમાં સંકળાયેલા તમામ ભાજપના હોદ્દેદારો અને રાજયમંત્રી ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના રાજીનામાની માંગ કરી હતી. જ્યારે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા વી.કે. હૂંબલે કોંગ્રેસને રેલી માટે  તંત્રએ મંજૂરી નહીં અપાયાનો આરોપ મુક્યો હતો. તો, કચ્છ ભાજપના આગેવાનો દ્વારા થતાં સેક્સકાંડ ને કારણે હવે મહિલાઓ રાજકારણ માં આવતા ડરી રહી છે. નૈતિકતાના મુદ્દે પણ ઓડીયો કલીપ પ્રકરણની મુખ્યમંત્રીએ તપાસ કરીને જવાબદાર રાજયમંત્રી વાસણભાઇ આહીર તેમ જ મહિલા નેતાઓનું સરકારે રાજીનામુ આપવું જોઈએ. આવેદનપત્ર આપવામાં કોંગ્રેસના આગેવાનો તેમ જ મહિલા મોરચાના કાર્યકરો જોડાયા હતા. મામલતદાર ઓફિસમાં મહિલાઓના સુત્રોચ્ચારથી માહોલ ગરમાયો હતો.

(12:54 pm IST)