સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

વિરપુરમાં ઉલ્ટી શ્વાસનળીમાં જતી રહેતાં શ્વાસ રૃંધાતા ૧૮ માસના બાળકનું મોત

બાળકના માતા મિનિકાએ ચાર માસ પહેલા જ ભાવેશ ગજેરા સાથે બીજા લગ્ન કર્યા છેઃ આગલા પિતા ભવિષ્યમાં મૃત્યુ બાબતે શંકા ન દર્શાવે એ માટે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨૬: વિરપુરમાં ચિત્રકુટ પાર્કમાં રહેતાં પંથ સંદિપભાઇ ડોબરીયા (ઉ.૧૮ માસ)ને લૂ લાગી જતાં ઉલ્ટીઓ ચાલુ થઇ જતાં સારવાર માટે દાખલ કરાયો હતો. તબિબી તપાસમાં ઉલ્ટી શ્વાસનળીમાં જતી રહેતાં શ્વાસ રૃંધાઇ ગયાનું ખુલ્યું હતું. સારવાર દરમિયાન બાળકનું મોત નિપજતાં રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે.

 બાળકના માતા મિનિકાએ પ્રથમ પતિ સંદિપ ડોબરીયા કે જે જસદણના મેઘપરમાં રહે છે તેની સાથે દોઢ વર્ષ પહેલા છુટાછેડા લીધા છે અને ચાર માસ પહેલા જ વિરપુરના ભાવેશ છગનભાઇ ગજેરા સાથે બીજા લગ્ન કર્યા છે. બાળકના નામ પાછળ હજુ પ્રથમ પિતા સંદિપ ડોબરીયાનું નામ જ જોડાયેલું હોઇ આ બાળકના મૃત્યુ સંબંધે ભવિષ્યમાં તેના તરફથી કોઇ શંકા ઉભી કરવામાં ન આવે એ હેતુથી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. મિનિકાબેને ત્રણ વર્ષ પહેલા સંદિપ સાથે લગ્ન કર્યા હતાં. જ્યાં દિકરા પંથનો જન્મ થયો હતો. તે ચા માસનો હતો ત્યારે સંદિપ સાથે છુટાછેડા થયા બાદ તેણી વડીયાના બરવાળા ગામે પિતા મનસખુભાઇ પદમાણીને ત્યાં રહેતી હતી. ચાર માસ પહેલા જ ભાવેશ સાથે બીજા લગ્ન કર્યા છે.

બાળક પંથને ગઇકાલે ઉલ્ટી ચાલુ થઇ જતાં વિરપુર, બાદ જેતપુર સારવાર અપાવી છેલ્લે રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. અહિ તેણે દમ તોડી દીધો હતો. બનાવથી જનેતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.  હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે વિરપુર પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)